
રાજપીપલાની રેડક્રોસ શાખા ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર ખુલ્લું મૂકાયું , રાહત દરે દવાઓ મળી રહેશે
જિલ્લાના નાગરિકોને રાહત દરે દવાઓ ઉપલબ્ધ કરાવતા ત્રીજા જન ઔષધી કેન્દ્રની ગુજરાત સ્થાપના દિને ભેટ મળી : રેડક્રોસ સોસાયટીનું રાજ્યમાં ૮૪મું જન ઔષધી કેન્દ્ર
રાજપીપલા : જુનેદ ખત્રી
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલી તેની શાખાઓમાં બ્લડ બેંકની સાથે સાથે જેનેરિક મેડિકલ સ્ટોરની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા સ્થિત રેડક્રોસ સોસાયટી ખાતે રાજપીપલામાં ત્રીજું અને રેડક્રોસ સોસાયટીનું સમગ્ર રાજ્યમાં ૮૪મું જન ઔષધી કેન્દ્ર શરૂ થયું છે. જિલ્લા કલેક્ટર અને રેડક્રોસ સોસાયટી નર્મદાના પ્રમુખ એસ.કે.મોદી તથા નાંદોદના ધારાસભ્ય અને રેડક્રોસ સોસાયટી નર્મદાના ચેરપર્સન ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે ગુજરાત સ્થાપના દિવસે આજથી રાજપીપલાના નાગરિકોની સુવિધા માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રને ખુલ્લું મૂકાયું હતું.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય અને રેડક્રોસ સોસાયટી નર્મદાના ચેરપર્સન ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, નર્મદા બાહુલ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય વિકાસ માટે આગળ વધવાની કલ્પના સાથે વિકસિત થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં વર્ષ 2013થી રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઈ અને બ્લડ બેન્ક સાથે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે મદદરૂપ થઈ સતત આગળ ધપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છેવાડાના નાગરિકોની પણ સતત ચિંતા કરતા હોય છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને રાહત દરે દવાઓ ઉપલબ્ધ થાય તે માટે દેશભરમાં શરૂ થઈ રહેલા જન ઔષધી કેન્દ્ર પૈકી એક વર્ષ પૂર્વે સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલું જન ઔષધી કેન્દ્ર જિલ્લાના નાગરિકો માટે આશિર્વાદરૂપ બન્યું છે. હવે રાજપીપલાના નાગરિકોને વધુ એક જન ઔષધી કેન્દ્ર રેડક્રોસ સોસાયટી ખાતે ઉપલબ્ધ થયું છે ત્યારે નાણાંના અભાવે સારવાર લેવાનું ટાળતા નાગરિકો માટે આ ખૂબજ આવકાર્ય પગલું છે. નાગરિકોના સ્વાસ્થ્ય માટે થઈ રહેલું આ કાર્ય જનસુખાકારીમાં વધારો કરી આરોગ્ય માટે આર્થિક બોજો દૂર કરી વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેક્ટર અને રેડક્રોસ સોસાયટી નર્મદાના પ્રમુખ એસ.કે.મોદીએ જણાવ્યું કે, રાજપીપલાના નાગરિકો માટે આ એક ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે. જન ઔષધી કેન્દ્રમાંથી મળતી સસ્તી દવાઓ પ્રત્યે નાગરિકોમાં પ્રવર્તતી માનસિકતાને બદલી જેનેરિક દવાઓ સસ્તી હોવા સાથે ઉચ્ચતમ ગુણવત્તાયુક્ત છે તેવું સૌ નાગરિકોને આ તબક્કે ધ્યાન દોરવું જરૂરી છે. કારણકે, સરકારના સહયોગથી આ જન ઔષધી કેન્દ્રો ચલાવવામાં આવે છે એટલે અહીંથી રાહત દરે દવાઓ ઉપલબ્ધ થાય છે. જન ઔષધી કેન્દ્રનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય અને વધુમાં વધુ નાગરિકો તેનો લાભ લેતા થાય તેના ઉપર વિશેષ ભાર મૂકયો હતો.
કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, આપણો નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો છે. જેમાં નીતિ આયોગ દ્વારા આપવામાં આવતા વિશેષ ફંડ થકી ગત વર્ષમાં નર્મદા જિલ્લામાં થયેલા કામોનું મૂલ્યાંકન કર્યા બાદ નીતિ આયોગ દ્વારા આપણને વધારાના ૧૦ કરોડની નાણાંકીય જોગવાઈ કરી છે. વિદેશ મંત્રીશ્રી ડો. એસ. જયશંકર દ્વારા પણ નર્મદા જિલ્લામાં MPLADS ફંડમાંથી ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. તેઓએ નર્મદા જિલ્લાના બાળકો અને નાગરિકો માટે શિક્ષણ, આરોગ્યલક્ષી સુવિધાઓ ઊભી કરવા ફાળવેલા ભંડોળમાંથી નિર્માણ પામેલા વિવિધ પ્રકલ્પોનું જાતે નિરિક્ષણ કરી લોકાર્પણ કરી ખુશી વ્યક્ત કરી હતી. હજી નવા કામો કરવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી છે જેનો સીધો લાભ નર્મદા જિલ્લાના નાગરિકોને થવાનો છે અને જિલ્લાના વિકાસમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.





