TANKARA:ટંકારાના નેકનામ ગામે વડીલોપાર્જિત પ્લોટમાં દીવાલ બનાવવા બાબતે ધીંગાણું: ત્રણ શખ્સો સામે ફરિયાદ

TANKARA:ટંકારાના નેકનામ ગામે વડીલોપાર્જિત પ્લોટમાં દીવાલ બનાવવા બાબતે ધીંગાણું: ત્રણ શખ્સો સામે ફરિયાદ
ટંકારા તાલુકાના નેકનામ ગામે વડીલોપાર્જિત પ્લોટમાં દીવાલ ચણવાની બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક ઝઘડો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગામના જ ત્રણ શખ્સોએ દીવાલનું ચણતર કામ બળજબરીથી બંધ કરાવી, એક યુવાન અને તેના સાથીને બેફામ ગાળો ભાંડી ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા સુખદેવસિંહ નવલસિંહ ઝાલા (ઉં.વ. ૪૨) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નેકનામ ગામમાં આવેલ તેમના વડીલોપાર્જિત પ્લોટમાં સુખદેવસિંહ અને તેમના સાથીઓ દીવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતા.
તે દરમિયાન ગામના જ આરોપીઓ રણજીતસિંહ ઝાલા, હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા અને હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા એકસંપ થઈને ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ પ્લોટમાં ચાલી રહેલું દીવાલનું ચણતર કામ બળજબરીપૂર્વક બંધ કરાવી દીધું હતું.
કામ બંધ કરાવ્યા બાદ આરોપીઓએ સુખદેવસિંહ તથા તેમના સાથી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને અણછાજતી ગાળો આપી હતી. ઝઘડો વધુ ઉગ્ર બનતા ત્રણેય શખ્સોએ ફરિયાદી અને તેમના સાથીને ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો અને જો ફરી કામ શરૂ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.ભોગ બનનાર સુખદેવસિંહ ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.








