GUJARATKUTCHMUNDRA

મુંદરાના દરિયાકાંઠાના ૧૬ ગામોમાં ફરશે ‘જનજાગૃતિ રથ’: સ્વચ્છતા અને આરોગ્યના સંદેશ સાથે અભિયાનનો પ્રારંભ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરાના દરિયાકાંઠાના ૧૬ ગામોમાં ફરશે ‘જનજાગૃતિ રથ’: સ્વચ્છતા અને આરોગ્યના સંદેશ સાથે અભિયાનનો પ્રારંભ

મુંદરા,તા.11: રિલાયન્સ ફાઉન્ડેશન મુંબઈ અને ઉન્નતિ સંસ્થા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મુંદરા તાલુકાના દરિયાકિનારાના ૧૬ ગામોમાં લોકોમાં સ્વચ્છતા અને આરોગ્ય વિષયક જાગૃતિ આવે તે હેતુથી તા. ૧૧ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ચાર દિવસીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિશેષ અભિયાન અંતર્ગત તૈયાર કરાયેલા જનજાગૃતિ રથને સામુહિક આરોગ્ય કેન્દ્ર મુંદરાના અધિક્ષક ડો. મંથન ફફલના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા આરોગ્યના ડો. સંજય યોગી, ડો. રાજ શાહ, વિપુલ સોરઠીયા, રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઓફિસર ફયાઝભાઈ એસ. બારેજીયા, ઉન્નતિ સંસ્થાના હેતલબા વાઘેલા તથા હેલ્થ સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રથ આગામી ચાર દિવસ સુધી મુંદરા તાલુકાના હટડી, પાવડીયારા, કુક્ડસર, કુવઈપધ્ધર, ભદ્રેશ્વર, વડાલા, લુણી, શેખડીયા, ગુંદાલા, ગોયરસમા, ધ્રબ, ઝરપરા, નવીનાળ, સિરાચા, મોટા કાંડાગરા અને ટુંડા ગામમાં ફરી ગ્રામજનોને શારીરિક સ્વચ્છતા, ચેપી રોગોથી સાવચેતી અને તંદુરસ્ત જીવનશૈલી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતો દ્વારા આ જનજાગૃતિ અભિયાનનો બહોળી સંખ્યામાં ગ્રામજનો લાભ લે અને પોતાના વિસ્તારમાં જ્યારે રથ આવે ત્યારે જાગૃતિ સંદેશાઓને જીવનમાં ઉતારે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે. સંસ્થાઓના આ પ્રયાસથી દરિયાકાંઠાના પછાત વિસ્તારોમાં આરોગ્યના સ્તરમાં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.co

Back to top button
error: Content is protected !!