MORBI:તહેવારોમાં તંત્રનું પેટનું પાણી ન હલ્યું: મોરબી મનપાની બેદરકારીથી સાતમ-આઠમે સફાઈ કર્મચારીઓ પગાર વગર મોહતાજ!




MORBI:તહેવારોમાં તંત્રનું પેટનું પાણી ન હલ્યું: મોરબી મનપાની બેદરકારીથી સાતમ-આઠમે સફાઈ કર્મચારીઓ પગાર વગર મોહતાજ!

આશ્વાસન કે છેતરામણી? સાંજ સુધીમાં પગાર જમા નહીં થાય તો મોરબી મનપા સામે વિરોધનું વંટોળ ઊભું થવાના એંધાણ!

સાતમ-આઠમના ટાણે જ ગરીબ કર્મચારીઓ મજબૂર: મોરબીમાં પગાર ન થતાં સફાઈ કામદારોમાં રોષ, ડેપ્યુટી કમિશનરને કરી તીખી રજૂઆત

મોરબી મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓને તહેવારોના સમયે જ પગાર વગર તરફડવાનો વારો આવ્યો છે. પવિત્ર સાતમ-આઠમ જેવા મોટા તહેવારો ઘરઆંગણે આવીને ઊભા છે, ત્યારે જ કર્મચારીઓનો પગાર સમયસર ન ચૂકવાતાં તેમના ઘરના ચૂલા સળગવા સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ખડો થયો છે. તંત્રની આ ઉદાસીનતા અને અસંવેદનશીલતાને કારણે સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.
તહેવારોના દિવસોમાં આર્થિક તંગીથી ઘેરાયેલા અને મજબૂર બનેલા કર્મચારીઓએ આખરે કંટાળીને મનપાના ડેપ્યુટી કમિશનરને રૂબરૂ મળીને પોતાની વેદના ઠાલવી હતી અને વહેલી તકે પગાર જમા કરાવવા રજૂઆત કરી હતી. જોકે, દર વખતે આશ્વાસનો આપતી મનપાના ડેપ્યુટી કમિશનરે આજે સાંજ સુધીમાં ખાતામાં પગાર જમા થઈ જશે તેવી માત્ર બાંહેધરી આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે.

મહાનગરપાલિકાના આ ધાંધિયા અને નબળા વહીવટને કારણે ગરીબ કર્મચારીઓ આજે મોટો આર્થિક ફટકો સહન કરવા મજબૂર બન્યા છે. જો આજે સાંજ સુધીમાં પણ કર્મચારીઓના ખાતામાં રકમ જમા નહીં થાય, તો તહેવારોના આ ટાણે જ મનપા સામે વિરોધનું મોટું વંટોળ ઊભું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.



