WAKANER વાંકાનેર નજીક રાજકોટ રેન્જ આઈજીની ટીમે : ખોટી નંબર પ્લેટવાળા બુલેટ સાથે આરોપી ઝડપી લીધો







WAKANER વાંકાનેર નજીક રાજકોટ રેન્જ આઈજીની ટીમે : ખોટી નંબર પ્લેટવાળા બુલેટ સાથે આરોપી ઝડપી લીધો


મોરબી જિલ્લાના ચકચારી બોગસ ટોલનાકા કૌભાંડમાં અગાઉ ઝડપાઈ ચૂકેલો આરોપી ફરી એકવાર કાયદાના સિકંજામાં આવ્યો છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કપટ કે ઠગાઈ કરવાના ઈરાદે પોતાના બુલેટ મોટરસાયકલ પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા આ આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને પ્રજામાં ધાક જમાવવા ફરતા તત્વોને પકડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી વોચ ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન પીએસઆઈ બી.સી.મીયાત્રા તથા સ્ટાફના અનિરુધ્ધસિંહ જાડેજા, વકારભાઈ અરબ અને ડ્રાઈવર સતીષભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર-મોરબી હાઈવે પર વઘાસિયા ગામ નજીક આવેલી આઈમાતા હોટલના મેદાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા (રહે. જુના વઘાસિયા, તા. વાંકાનેર, જિ. મોરબી) નામના ઇસમને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રવિરાજસિંહ ઝાલા પાસે રહેલા બુલેટ મોટરસાયકલનો અસલી નંબર GJ-01-UE-9888 છે. જો કે, કોઈ ગુનાહિત હિલચાલ અથવા ઠગાઈ કરવાના ઈરાદે તેણે બુલેટ પર GJ-01-UD-9 લખેલી ખોટી નંબર પ્લેટ લગાવી હતી અને આ ખોટા નંબરનો ખરા તરીકે ઉપયોગ કરતો હતો.
બોગસ ટોલનાકાનો આરોપી: પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલો આરોપી રવિરાજસિંહ અગાઉ વાંકાનેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ડુપ્લીકેટ (બોગસ) ટોલનાકું ચલાવવાના મોટા ગુનામાં પણ પકડાઈ ચૂકેલો છે.
ખોટી નંબર પ્લેટ વાપરવા બદલ રાજકોટ રેન્જ ટીમે આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩) અને ૩૪૦(૨) મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. હાલ આરોપી અને બુલેટ બંનેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર સીટી પોલીસને સોંપવામાં આવ્યા છે.



