GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:‘કુંવરબાઈનું મામેરું’ યોજના અન્વયે વાંકાનેરના સોલંકી પરિવારને દીકરી નમ્રતાબેન લગ્ન માટે મળી રૂ. ૧૨,૦૦૦ સરકારની સહાઈ

 

WAKANER:‘કુંવરબાઈનું મામેરું’ યોજના અન્વયે વાંકાનેરના સોલંકી પરિવારને દીકરી નમ્રતાબેન લગ્ન માટે મળી રૂ. ૧૨,૦૦૦ સરકારની સહાઈ

 

સરકારના સંવેદનશીલ અભિગમથી ગરીબ-મધ્યમ વર્ગની દીકરીઓને માટે કુંવરબાઈનું મામેરું યોજના બની છે આર્થિક સહારો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓ દિકરીઓના ઉજ્જવળ ભવિષ્યનો આધાર: રાજ્ય સરકારનો આભાર માનતા સોલંકી નમ્રતાબેન

સમાજના છેવાડાના અને વંચિત વર્ગોના કલ્યાણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ સંવેદનશીલ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. ખાસ કરીને દિકરીના લગ્ન જેવા મહત્વના પ્રસંગે પરિવાર પર આવતા આર્થિક બોજને હળવો કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ‘કુંવરબાઈનું મામેરું’ યોજના અનેક પરિવારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. વાંકાનેરના અમરસર ગામના સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારની દીકરી નમ્રતાબેન સોલંકી માટે આ યોજના આર્થિક રાહત અને સામાજિક સુરક્ષાનું ઉદાહરણ બની છે.

 

થાનગઢ ખાતે સેનેટરી કારખાનામાં મજૂરી કામ કરતા પિતાના સહારા સાથે જીવતા આ પરિવારમાં લગ્નની ઉંમર થતાં નમ્રતાબેનના લગ્ન ગત મે-૨૦૨૬ માં શાપર (વેરાવળ) ખાતે રહેતા દિવ્યેશભાઈ સાથે સંપન્ન થયા હતા. મધ્યમ આર્થિક સ્થિતિના કારણે લગ્ન ખર્ચને પહોંચી વળવા આ પરિવારને ‘કુંવરબાઈનું મામેરું’ યોજનાનો ટેકો મળ્યો હતો. લગ્ન નોંધણી કરાવ્યા બાદ નમ્રતાબેને ‘ઈ-સમાજકલ્યાણ’ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in) પર ઓનલાઈન જરૂરી સાધન-કાગળો અપલોડ કરીને અરજી કરી હતી. વહીવટી તંત્ર દ્વારા ત્વરિત ચકાસણી કરી અરજી મંજૂર કરતા રૂ. ૧૨,૦૦૦/- ની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.

 

આ આર્થિક મદદ બદલ ખુશી વ્યક્ત કરતા નમ્રતાબેને જણાવ્યું હતું કે, “સરકારશ્રીની આ યોજનાથી મારા જેવા મધ્યમ પરિવારની દીકરીઓને લગ્ન પ્રસંગે આર્થિક રાહત મળી રહે છે. આ સહાય પૂરી પાડવા બદલ હું રાજ્ય સરકારની હૃદયપૂર્વક આભારી છું.”

 

નોંધનીય છે કે, કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિની પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગે રૂ. ૧૨,૦૦૦/- ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. વાર્ષિક રૂ. ૬ લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા ગુજરાતના મૂળ વતની પરિવારની મહત્તમ બે કન્યાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ માટે લગ્નના બે વર્ષની અંદર આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને બેંક પાસબુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન પોર્ટલ પર સરળતાથી અરજી કરવાની રહે છે.

 

રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ અને પારદર્શક ડિજિટલ પ્રક્રિયા થકી આજે નમ્રતાબેન જેવી ગુજરાતની અનેક દિકરીઓના ચહેરા પર સ્મિત આવી રહ્યું છે. ‘કુંવરબાઈનું મામેરું’ જેવી કલ્યાણકારી યોજનાઓ થકી નાગરિકોને સીધો આર્થિક લાભ પહોંચાડીને સમાજ કલ્યાણ વિભાગ સાચા અર્થમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ના મંત્રને ચરિતાર્થ કરી રહ્યું છે.

 

 

Back to top button
error: Content is protected !!