ગાંધીધામ ખાતે ૬૦થી વધુ મૂક-બધિર મતદાતાઓએ સાઇન લેંગ્વેજ દ્વારા મતદાનનું મહત્વ સમજી શપથ લીધા.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૨૦ એપ્રિલ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અન્વયે કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નોડલ ઓફિસર (PWD & SVAP) અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ડી. જે. દેસાઈ દ્વારા દિવ્યાંગ મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી, ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આદિપુર ખાતેના ‘માતાલક્ષ્મી રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ’માં આ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અંદાજે ૬૦ થી ૭૦ જેટલા મૂક-બધિર (Deaf and dumb) ભૂતપૂર્વ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગત તા. ૧૯/૦૪/૨૦૨૬ ના રોજ યોજાયેલા આ સત્રમાં નિષ્ણાતો દ્વારા સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા) મારફતે દિવ્યાંગોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અચૂક અને ફરજિયાત મતદાન કરવા અંગેની વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ, ઉપસ્થિત તમામ દિવ્યાંગ ભાઈ-બહેનોએ લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈને ફરજિયાત મતદાન કરવાના શપથ પણ લીધા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સહ નોડલ ઓફિસર શ્રી વિપુલ ડોરિયા, સંસ્થાના શ્રી મેહુલભાઈ ભટ્ટ તેમજ તેમના સ્ટાફે ઉપસ્થિત રહીને કાર્યક્રમને અનુરૂપ તમામ જરૂરી વ્યવસ્થાઓ સંભાળી હતી.





