વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.28 : કચ્છી નવા વર્ષ અષાઢી બીજના શુભ અને પવિત્ર દિવસે મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓની સિદ્ધિને બિરદાવવા માટે ભવ્ય ૩૭મા “સરસ્વતી સન્માન સમારંભ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાલમંદિરથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરી, તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇનામના દાતા કુસુમબેન કેશવજીભાઈ હસ્તે પ્રજ્ઞાબેન જીતુભાઈ તેમજ સ્વ. નરસિંહ દામજી પરિવાર હસ્તે સુરેશભાઈ ઠક્કર સહયોગી રહ્યા હતા.
કાર્યક્રમની સાથે નાના ભૂલકાઓ અને બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓનો વિકાસ સાધવાનો અને ધર્મ તથા દેશપ્રેમ સંબંધિત કૃતિઓ દ્વારા સમાજમાં સારા સંસ્કારો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
આ પ્રસંગે, કચ્છ જિલ્લા લોહાણા સમાજના પ્રમુખ સુરેશભાઈ ઠક્કર, જેઓ સમસ્ત લોહાણા મહાજનની સંસ્થાઓને સાથે સંકળાયેલા છે, તેમણે મુન્દ્રામાં નિર્માણાધીન નવી મહાજન વાડી માટે ભાવુક સ્વરે અપીલ કરતા જણાવ્યું હતું કે, “આજીવન આપનાર આજે તમારી પાસે મહાજનના શુભ કાર્ય માટે હાથ લંબાવે છે, તો મહેરબાની કરીને દરેક ઘરના લોકો સહકાર આપે.” ઠક્કરે કચ્છ સહીત ગુજરાત અને મુંબઈના દાતાઓ પાસેથી દાન મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની વાત કરતા મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ ભાઈલાલભાઈ ચોથાણી અને કપિલભાઈ કેસરિયાની સેવાઓને યાદ કરતા તેમની ખોટ વર્તાઈ રહી હોવાનું લાગણીસભર શબ્દોમાં દુઃખ વ્યક્ત કર્યું હતું.
મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોરભાઈ લાલજીભાઈ ચોથાણી પણ પોતાના કાર્યકાળ દરમિયાન મહાજન વાડી બને તે માટે સતત પ્રયત્નશીલ છે. આ બંને વડીલોને જોઈને કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા વર્ગે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. કિશોરભાઈ ચોથાણીએ ખાત્રી ઉચ્ચારી હતી કે ભવિષ્યમાં કચ્છમાં તમામ સમાજો માટે દ્રષ્ટાંતરૂપ અતિ આધુનિક સુવિધા સભર મહાજન વાડી સમાજને ટૂંક સમયમાં જ અર્પણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, લોહાણા સમાજમાં ઘણા મોટા દાનવીરો છે જે એકલા હાથે મહાજન વાડી બનાવી શકે એમ છે, પરંતુ આ સાર્વજનિક કાર્યમાં વધુમાં વધુ લોકો પોતાની ભાગીદારી નોંધાવી ભવિષ્યમાં ગૌરવ લઈ શકે તે માટે સમાજના તમામ લોકોને સહભાગી થવા અપીલ કરતા જાહેર જીવનમાં પણ ઉમેદવારી નોંધાવી જ્ઞાતિના યુવાનોને લોકસેવા માટે આગળ આવવા અપીલ કરી હતી.
આ શુભ કાર્યમાં સહયોગ આપવા માટે મુન્દ્રાના પ્રમુખ કિશોરભાઈ ચોથાણીના મોબાઈલ નંબર 94290 41525 પર સંપર્ક કરવા જણાવાયું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાજનના ભૂતપૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ગણાત્રા, મનોજભાઈ કોટક, ઉપપ્રમુખ હરેશભાઈ પીપરાણી, યુવક મંડળના પ્રમુખ વિવેક કૈલાશભાઈ ગણાત્રા, મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ભુપેનભાઈ ઠક્કર તથા સમગ્ર કારોબારી, યુવક અને મહિલા મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ વર્ષે કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રથમ વખત મહાજનના મંત્રી અમૂલભાઈ ચોથાણીએ કર્યું હતું. અને તેમણે જ આભાર વિધિ પણ કરી હતી.આ કાર્યક્રમમાં અંજાર રામ મંદિરના મહંતશ્રી કીર્તિદાસ મહારાજ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. તથા અંજાર મહાજનના માજી મંત્રી મહેન્દ્રભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, તમામ જ્ઞાતિ બંધુઓ અને બહેનો માટે સમૂહ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.



