વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
નવા સંકુલ માટે મુંબઈના દાતા જગજીવન ધનજી દેવશી પરિવારે બે કરોડનું દાન જાહેર કર્યું.
બાલમંદિર થી બી.એડ. સુધીનું જ્ઞાન ઘરઆંગણે પૂરું પાડનાર સંસ્થાનું ઋણ ચૂકવવા દેશ વિદેશમાં સ્થાયી થયેલા 24,154 જેટલા વિદ્યાર્થીઓ તથા સ્થાનિક કંપનીઓ આગળ આવે એવી અપીલ કરાઈ
મુંદરા,તા.02 એપ્રિલ : મુંદરાની ઐતિહાસિક શિક્ષણ સંસ્થા આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શેઠ આર.ડી. (ઉચ્ચતર) માધ્યમિક શાળાના નૂતન સંકુલ શેઠ જગજીવન ધનજી દેવશી ભવનનું ભૂમિપૂજન કર્યા બાદ પ્રસંગોચિત ઉદબોધન કરતા મુંદરા-માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે, આગામી દાયકામાં વિકાસશીલ મુંદરામાં દેશભરમાંથી આવતા લોકોને કોઈ પણ ભેદભાવ વિના આધુનિક શિક્ષણ મળી રહે એ માટે દરેક રૂમમાં એલ.ઇ.ડી./પ્રોજેક્ટર લગાવીને સ્માર્ટ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની સાથે યુનિકોર્ન સ્ટાર્ટઅપના નિષ્ણાતના વક્તવ્ય, વિવિધ તાલીમો, સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ ગોઠવવા માટે બનતી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વીરમભાઈ ગઢવીએ જિલ્લામાં શિક્ષકોની ઘટ બાદ બેઠકોનો દોર, સતત રજૂઆતો અને કચ્છ માટે અલાયદી ભરતીનો તાત્કાલિક નિર્ણય લેવા બદલ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉતરોતર ત્રણ પેઢીઓને બાલમંદિર થી બી.એડ. સુધીનું જ્ઞાન ઘરઆંગણે પીરસનાર શાળા સાથેનો નાતો અવિરતપણે જારી રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી.આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કેકીનભાઈ કુંવરજી છેડાએ કહ્યું હતું કે, પહેલા નવા સંકુલમાં આઠ રૂમનો પ્લાન હતો પરંતુ હવે વધુ જરૂરિયાત ઊભી થતા અઢાર ખંડ બનાવવામાં આવશે એના માટે મુંબઇના દાતા જગજીવન ધનજી દેવશી પરિવારે બે કરોડનું દાન જાહેર કર્યા બાદ હવે મુંદરાના આગેવાનો અને વિદ્યાર્થીઓ સંસ્થાનું ઋણ ચૂકવવા આગળ આવે એવી અપીલ કરી હતી જ્યારે લક્ષ્મીચંદભાઈ કુંવરજી કેનિયાએ શિક્ષકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવા સાથે શાળામાં અભ્યાસ કરી ગયેલા દેશ-વિદેશમાં સ્થાયી થયેલા 24,154 જેટલા વિદ્યાર્થીઓને યથાશક્તિ આર્થિક યોગદાન આપવાની અપીલ કરી હતી.મુખ્ય અતિથિપદેથી બોલતા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોષીએ શાળાનું નામ વધુ ઉજ્જવળ કરવાની વિશેષ જવાબદારી શિક્ષકોની ગણાવી શુભેચ્છા પાઠવી હતી.નવનિયુક્ત વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાયાલાલ દેવજીભાઈ આહીરે વિકાસ માટે સતત કાર્યરત રહેવાનો કોલ આપતા પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર જેસરની કામગીરીને બિરદાવી હતી. માનદમંત્રી કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે 1908માં દાતા શેઠ રાણશી દેવરાજ (આર. ડી.) પરિવાર દ્વારા તે સમયમાં કે જ્યારે એક તોલા સોનાનો ભાવ ₹18.95 હતો ત્યારે ₹5000 (એટલે કે લગભગ અઢી કિલો સોનુ કે જેના અત્યારના ભાવ પ્રમાણે રૂપિયા અઢી કરોડ)નું અનુદાન આપીને શરૂ કરેલી સંસ્થા જે બાદમાં કુંવરજી નાનજી કેનિયા (કુંવરજીબાપા)ના આર્થિક યોગદાન અને માર્ગદર્શન હેઠળ એક દાયકાથી વધુ વર્ષની શૈક્ષણિક સફર કાપી તાલુકાના બાળકો માટે ભણતરનો પાયો બની રહી છે ત્યારે 117 વર્ષની સફર દરમિયાન મધુ બાલમંદિર, પ્રાથમિક શાળા(નાની આર.ડી.), આર. ડી. ઉચ્ચ માધ્યમિક હાઈસ્કૂલ, સી.કે.એમ. કન્યા વિદ્યાલય (કે જેના હોલમાં આ કાર્યક્રમ યોજાયો), શેઠ લખમશી નપુ પી.ટી.સી. કોલેજ તથા કેનીયા એન્ડ એંકરવાલા એન્ડ શ્રીમતી ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને એસ.ડી. શેઠિયા બી.એડ. કોલેજ સુધી વિસ્તરીને દેશભરના વિદ્યાર્થીઓને પાયા થી પદવી સુધીનું શિક્ષણ આપનાર વટવૃક્ષ સમાન ઐતિહાસિક સંસ્થાને મુન્દ્રામાં સ્થાયી થયેલી કંપનીઓ પોતાના સી.એસ.આર. ફંડમાંથી આર્થિક મદદ કરે એવી અપીલ કરી હતી.આ પ્રસંગે મુંદરા તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ મહોબતસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, વ્યવસ્થાપક સમિતિના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર જેસર, મુંદરા ચેમ્બરના સ્થાપક પ્રમુખ મનોજ કોટક, માણેક ગિલવા વગેરે મંચસ્થ રહ્યા હતા. વ્યવસ્થાપક સમિતિના ઉપપ્રમુખ કેકીન પ્રવીણચંદ્ર કેનિયા, સહમંત્રી ભરત જયંતીલાલ જોશી, ખજાનચી પ્રકાશ રેવાલાલ પાટીદાર, સભ્યો ભૂપેન્દ્ર હરસુખલાલ મહેતા, જિજ્ઞેશ ચમનલાલ ભટ્ટ, હેત દિલીપભાઈ આહીર, ગૌરાંગ રાજેન્દ્ર ત્રિવેદી, સચિન ચુનીલાલ ગણાત્રા તથા કારોબારી સમિતિના સદસ્યો શહેરના આગેવાનો, શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન રાજીવ ત્રિવેદીએ તથા આભારવિધિ આર. ડી. હાઇસ્કુલના આચાર્ય સ્નેહલ ડી. વ્યાસે કરી હતી.