BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

જિલ્લાના નાગરિકોને સરકારી તમામ યોજનાઓનું માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહે તે માટે માલતદાર કચેરી ભરૂચ ખાતે ‘મારી યોજના’ પોર્ટલ હેલ્પ ડેસ્કનો શુભારંભ

સમીર પટેલ, ભરૂચ
*****
છેવાડાના નાગરિક સુધી સરકારી યોજનાઓની માહિતી સત્વરે પૂરી કરવા જિલ્લા વહીવટીતંત્ર હંમેશા અગ્રેસર
****
ભરૂચ –- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અનેક નવતર પહેલ થકી સરકારી યોજનાના લાભો નાગરિકોના ઘર સુધી પહોચાડ્યા છે. તે પહેલના ભાગરૂપે ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી, સરળતાથી અને ઝડપથી મળી રહે તેવા હેતુસર ‘મારી યોજના’ પોર્ટલ કાર્યરત કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને સેવાઓની માહિતી સરળતાથી મેળવી શકે તે હેતુસર આ પોર્ટલમાં ૨૬ વિભાગોની ૬૮૦ જેટલી યોજનાઓની જાણકારી ફક્ત એક ક્લિકથી મેળવી શકાય તેમ છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ નવતર પહેલના ભાગરૂપે આજરોજ ભરૂચ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મારી યોજના પોર્ટલ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરાવ્યો હતો.
આ તબક્કે, તેમણે હેલ્પ ડેસ્કની મુલાકાત કરી હતી. હેલ્પ ડેસ્કમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી તાંત્રિક વિગતો મેળવી હતી. આ અવસરે ઉપસ્થિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
અંતે, કલેક્ટરશ્રીએ અધિકારીઓ મળેલી બેઠકમાં કચેરીએ કરવાની થતી કામગીરી બાબતે દિશાનિર્દેશો આપી સલાહાત્મક સૂચનો આપ્યા હતા.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી મનિષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી, માર્ગ અને મકાન વિભાગ અને મામલતદાર કચેરીના કર્મયોગીઓ હાજર રહ્યા હતા.

મારી યોજના વિશે ખાસ જાણવા જેવું….
મારી યોજના પોર્ટલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. મારી યોજના પોર્ટલને લેપટોપ, મોબાઈલ, ટેબલેટ સહિતના ડિવાઈસમાં સર્ચ કરતા સૌપ્રથમ પોર્ટલનું હોમ પેજ ખુલશે. જેમાં ‘તમારી યોજના શોધો’ ટેબમાં આવાસ, શિષ્યવૃતિ, આરોગ્ય સહિત જે-તે લાગુ પડતી યોજનાનો શબ્દ લખી સર્ચ બટન પર ક્લિક કરતા તે વિષયને લગતી યોજનાઓનું લિસ્ટ ખુલી જશે. http://mariyojana.gujarat.gov.in પોર્ટલના હોમપેજ પર ન્યુ સ્કીમ બટન પર ક્લિક કરતા વર્તમાનમાં શરૂ થયેલી નવી યોજના અંગેની માહિતી ઉપલબ્ધ થશે.
પોર્ટલના હોમપેજને સ્ક્રોલ કરતા યોજનાઓ, સેવાઓ પ્રમાણપત્ર, સેક્ટર પ્રમાણે તથા વિભાગવાર યોજના સહિતના ૧૭ ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં સંબંધિત યોજનાને શોધીને જરૂરી માહિતી મેળવી નાગરિકો સહાયનો લાભ લઇ શકે છે. ઉપરાંત, સમાજ કલ્યાણ, શિક્ષણ, ખેતી, રમતગમત, રોજગાર, પશુપાલન સહિતના સેક્ટર મુજબ વ્યક્તિની જરૂરિયાતો અને પાત્રતાના આધારે યોજનાની માહિતી મેળવી શકાય છે. ત્યારબાદ, હોમપેજને સ્ક્રોલ કરતાં પોર્ટલ સંબંધિત વિડીયો અને યોજનાને શોધવાની સરળ રીતના એક્સપ્લોર બટન પર ક્લિક કરતાં વ્યક્તિગત યોજનાનું પેજ ખુલશે જેમાં વ્યક્તિએ જરૂરી વિગતો ભરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
કોઈપણ સરકારી યોજનાઓનો લાભ મળેવવા માટે અરજીની પ્રક્રિયા ‘મારી યોજના’ પોર્ટલથી સરળ બની છે. આ ડિજિટલ યુગમાં સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધવાનું કામ મારી યોજના પોર્ટલ થકી થઈ રહ્યું છે.
***

Back to top button
error: Content is protected !!