Rajkot: મહિલાઓના સર્વાંગી વિકાસ માટે નારી વંદન સપ્તાહ યોજાશે
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આગામી તા.૦૧થી તા.૦૮ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલાઓનું સન્માન કરાશે
તા.૩૦/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મહિલા સુરક્ષા દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ તથા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાશે
મહિલાઓના સર્વાંગી વિકાસ માટે, મહિલાઓના સામર્થ્યને ઉજાગર કરવા માટે સમગ્ર રાજ્યમા દર વર્ષે ૧ ઓગસ્ટ થી ૮ ઓગસ્ટ દરમ્યાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમના સુચારુ અને સુવ્યવસ્થિત આયોજન મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.1 ઓગસ્ટથી તા.8 ઓગસ્ટ સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલાઓનું સન્માન કરાશે.
મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ મદદ કરવામાં આવે છે.
ત્યારે કાર્યક્રમને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં તારીખ 1 ઓગસ્ટના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા. 2 ના રોજ બેટી બચાવો બેટી પઢાવો દિવસ, તા. 3 ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા. 5 ના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા. 6 ના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા. 7 ના રોજ મહિલા કલ્યાણ દિવસ તથા તા.8 ના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાશે. આ સપ્તાહ દરમિયાન મહિલા સુરક્ષા રેલી, જેન્ડર સેન્સેટાઇઝેશન સેમિનાર, શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમ, હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને દીકરી વધામણા કીટ વિતરણ, વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ, દરેક ગામમાં ખાસ મહિલા ગ્રામસભા, મહિલા આર્થિક વિકાસ માટે કાર્યક્રમ વગેરે કાર્યક્રમ દ્વારા મહિલા કલ્યાણ લક્ષી કાર્યો હાથ ધરાશે.