
નર્મદા : વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાની કોન્ફરન્સમાં ૯.૯૮ કરોડના MoU
રાજપીપળા : જુનેદ ખત્રી




ગુજરાતને વૈશ્વિક રોકાણનું સૌથી વિશ્વસનીય કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે નર્મદા જિલ્લા કક્ષાની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાં રોકાણ, રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ એવા રૂપિયા 9.98 કરોડના ચાર MoU કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત માત્ર એક રોકાણ સમિટ નથી, પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, રોકાણ આકર્ષણ અને રોજગાર સર્જનમાં દેશભરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિકાસયાત્રામાં નર્મદા જિલ્લાનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે.
તેમણે જણાવ્યું કે, નર્મદા જિલ્લો પ્રાકૃતિક સંપત્તિ, આદિવાસી સંસ્કૃતિ, કૃષિ, હેન્ડિક્રાફ્ટ, ઇકો-ટૂરિઝમ અને હોમ-સ્ટે જેવી પ્રવૃત્તિઓ માટે વિશેષ ઓળખ ધરાવે છે. વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે, જેના પરિણામે હોટેલ, ટ્રાન્સપોર્ટ, હેન્ડિક્રાફ્ટ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્રોમાં અનેક નવી તકો ઊભી થઈ છે.


મંત્રીશ્રીએ તાજેતરમાં જાહેર થયેલી *ગુજરાત પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ-2026*નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ નીતિ ખાસ કરીને MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપનારી, રોજગારલક્ષી અને ઉદ્યોગ મૈત્રી નીતિ છે. તેમાં વેલ્યુ એડિશન, ટેક્નોલોજી અપગ્રેડેશન, મહિલા ઉદ્યોગસાહસિકો, દિવ્યાંગજનો તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિના લાભાર્થીઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આ નીતિના લાભથી નર્મદા જિલ્લામાં નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને ગતિ મળશે અને સ્થાનિક યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો ઉપલબ્ધ બનશે.
કાર્યક્રમને સંબોધતા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગુજરાતમાં રોકાણકારો માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ સર્જાતા રાજ્ય દેશના અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
નર્મદા જિલ્લામાં થયેલા રૂપિયા 9.98 કરોડના MoU માત્ર રોકાણના આંકડા નથી, પરંતુ જિલ્લાના યુવાનો માટે નવી રોજગારી, સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ, ઉદ્યોગસાહસિકતાના વિકાસ અને આત્મનિર્ભર નર્મદાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દ્વારા નર્મદા જિલ્લો હવે પ્રવાસન આધારિત અર્થતંત્રથી આગળ વધીને ઔદ્યોગિક, સેવા અને કૃષિ આધારિત સંકલિત વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે.




