NANDODNARMADA

નર્મદા : દેવમોગરા ખાતે વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદથી વિધાર્થીઓનો આત્મ વિશ્વાસ વધ્યો

નર્મદા : દેવમોગરા ખાતે વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદથી વિધાર્થીઓનો આત્મ વિશ્વાસ વધ્યો

 

નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

 

જિલ્લામાં એક્ઝામ વોરિયર્સ અને શૈક્ષણિક સંઘો દ્વારા આયોજિત મોટિવેશનલ કાર્યક્રમોથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકાની સામે નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 90.85 ટકા નોંધાતા સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો પરિણામમાં પ્રથમ સ્થાને રહ્યો છે.

નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલે આ સફળતા પાછળનાં કેટલાંક મહત્વના પાસાઓ અને શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 15 નવેમ્બર-2025નાં રોજ જ્યારે દેડિયાપાડા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તે પૂર્વે આદિવાસી સમાજના કૂળદેવી યાહામોગી માતાના મંદિર દેવમોગરા ખાતે દર્શન કર્યા બાદ જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા સંદર્ભે સંવાદ કર્યો હતો. જેના થકી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓમાં ખૂબજ ઉત્સાહ જોવા મળ્યો અને પ્રેરક બળ મળ્યું હતું. તેની અસર પરિણામમાં પણ જોવા મળી છે.

વધુમાં કહ્યું કે, એક્ઝામ વોરિયર્સના 25 મંત્રોની વિદ્યાર્થીઓને સમજ આપી, જિલ્લાના શૈક્ષણિક સંઘો દ્વારા ખ્યાતનામ મોટિવેશનલ સ્પીકર્સને જિલ્લામાં આમંત્રિત કરી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પ્રેરિત કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત શિક્ષાણ વિભાગ અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી પરીક્ષાનું સફળતા પૂર્વક આયોજન થયું હતું. તેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો પણ એટલો જ મહત્વનો ફાળો રહ્યો હતો.

 

જિલ્લા શિક્ષણાધિકારીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકારે આ વખતે શાળાઓમાં શિક્ષકોની મોટાપાયે ભરતી કરી છે જેનો લાભ નર્મદા જિલ્લાને પણ મળતા વિદ્યાર્થીઓને વિષય શિક્ષકો મળ્યા છે અને શિક્ષકોની ઘટ પૂર્ણ થઈ છે. શિક્ષણ સહાયકો અને જ્ઞાન સહાયકો સહિત તમામ શિક્ષકોએ બાળકોને ખૂબ સારી રીતે તૈયાર કર્યા હતા. જેના પરિણામે આ વખતે પરિણામમાં સફળતા સાંપડી છે.

 

અત્રે નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લાના બોર્ડ પરીક્ષાના પરિણામમાં સતત સુધારો નોંધાઈ રહ્યો છે. આજે ધોરણ-10નું પરિણામ જાહેર થતાં જિલ્લા આચાર્ય સંઘના સભ્યો અને શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લઈ શુભકામનાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!