રાજપીપળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વોકેથોન અને ક્લીનિંગ ડ્રાઈવનું આયોજન
પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ હકારાત્મક અભિગમ અપનાવવો જરૂરી – ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ
મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઝુંબા ડાન્સથી વોકેથોનનો પ્રારંભ : નાગરિકોની સક્રિય ભાગીદારી
રાજપીપલા: જુનેદ ખત્રી
૫ જૂન ૨૦૨૫, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી રાજપીપલામાં વિશાળ વોકેથોન અને ક્લીનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકેથોન રેલી ધાબા ગ્રાઉન્ડથી શરૂ થઈ લાલ ટાવર થઈને સરદાર ટાઉનહોલ ખાતેના સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન ખાતે પૂર્ણ થઈ હતી. બેનર, પ્લે કાર્ડના માધ્યમથી નગરજનોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે આ રેલીએક લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા સંદેશને દરેક નાગરિકે પોતાના જીવનમાં આત્મસાત કરવો જરૂરી છે. આજના સમયમાં પર્યાવરણની જાળવણી અત્યંત આવશ્યક બની ગઈ છે, જેમાં વૃક્ષારોપણ, વૃક્ષોની સંભાળ અને રક્ષણ પણ તેટલું જ મહત્વનું છે. આજે રાજપીપળા નગરમાં યુવાનો, બાળકો, મહિલાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ જે ઉત્સાહપૂર્વક વોકેથોનમાં ભાગ લીધો છે, તે સરાહનીય છે. હું નાગરિકોને અનુરોધ કરું છું કે, તેઓ પર્યાવરણ સંરક્ષણનો હકારાત્મક અભિગમ અપનાવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે.
પ્રારંભમાં મહાનુભાવો દ્વારા સ્વચ્છતાકર્મીઓનું સન્માન કરાયું હતું. જે બાદ મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ઝુંબા ડાન્સ દ્વારા વોર્મઅપ કરાવવામાં આવ્યું હતું. વોકેથોન દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો તથા નાગરિકોએ સક્રિય ભાગ લીધો હતો. તમામ ભાગ લેનાર સફેદ પોષાકમાં જોવા મળ્યા હતા, જે એકતા અને પર્યાવરણ માટેના પ્રતિબદ્ધતાના પ્રતિકને પ્રતિબિંબિત કરી રહ્યા હતા. રેલીના રૂટ પર નાગરિકોએ સાફસફાઈ હાથ ધરી હતી.
નોંધનીય છે કે, વોકેથોનના સમાપન સમયે સરદાર ટાઉનહોલ ખાતે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે સિંદૂર વૃક્ષ વાવ્યું હતું. અધિકારીઓ અને નાગરિકો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમ દરમિયાન પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, નાયબ કલેક્ટર વિધુ ખૈતાન, નિવાસી અધિક કલેકટર સી.કે. ઉંધાડ, ડીવાયએસપી પ્રેમલ પટેલ, પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી, નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછાર, મામલતદાર પદમા ચૌધરી, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ સહિતના વહીવટી તંત્ર ફોરેસ્ટના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.