હાંસોટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ:ASI સહિત સાત સામે ગુનો દાખલ, અમેરિકાથી પરત આવેલા નાસિરે મહેફિલનું આયોજન કર્યું
સમીર પટેલ, ભરૂચ
ગુજરાતમાં દારૂબંધીના પોલીસ જ લીરેલીરા ઉડાવી રહી હોય એવી ઘટના સામે આવી છે. ભરૂચના હાંસોટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસ મથકના રાઇટર હિતેશ પરમાર સહિત અન્ય પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા અને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આજે 11 જૂનના ASI સહિત 7 લોકો સામે ગુનો દાખલ થયો છે. અમેરિકાથી આવેલા વ્યક્તિએ પાર્ટીનું આયોજન કર્યું હતું.
તપાસમાં બહાર આવ્યું છે કે, અમેરિકાથી પરત આવેલા નાસીર મિર્ઝાએ પોલીસ કર્મીઓ માટે મહેફિલનું આયોજન કર્યું હતું. આ મહેફિલ હાંસોટમાં આવેલ એક ભઠ્ઠા પર યોજાઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં પોલીસકર્મીઓ નશાની હાલતમાં ડાન્સ કરતા સ્પષ્ટ દેખાય છે.
હાંસોટ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓએ દારૂની મહેફિલ માણી હતી. દારૂના નશામાં ડૂબી ગયેલા પોલીસકર્મીઓ ડાન્સ કરવા લાગ્યાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં સ્ટોરીમાં અપલોડ કરવામાં આવ્યો હતો, જે વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના આદેશ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.હાંસોટ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર અને જીઆરડી સભ્ય ઠાકોર પટેલ સહિત સાત લોકો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં જીઆરડી સભ્ય ઠાકોરભાઈ ગોમાનભાઇ પટેલ, મુજાદ મોહંમદ ઝફર શેખ, મોહંમદ સફીક શેખ, નાસિરભાઈ, એએસઆઈ હિતેશભાઈ પરમાર, મહંમદ અનીસ મેમણ અને રઈશભાઈનો સમાવેશ થાય છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ પહેલા ગઈકાલે જ ભરૂચ હેડક્વાર્ટરના વર્કશોપમાં બે પોલીસકર્મીને દારૂની મહેફિલ માણતા ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા હતા.
ગતરોજ ભરૂચ હેડક્વાર્ટરમાં આવેલ વર્કશોપમાં બે પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા જેઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો ત્યારે ભરૂચમાં બે દિવસમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલના બે મામલા પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.