GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ: ગોધરાથી 17 કિમી ઉત્તર -પશ્ચિમ દિશામાં ધરતી ધ્રૂજતા લોકોમાં ગભરાટ

 

પંચમહાલ ગોધરા

નિલેશ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી 17 કિમિ ઉત્તર-પશ્ચિમ દિશાના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવારે 10:34 વાગ્યે અનુભવાયેલા આ આંચકાની રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા નોંધાઈ હતી. જેનું કેન્દ્રબિંદુ ગોધરા શહેરથી આશરે 17 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલા પઢીયાર, વેલવડ, વિંઝોલ અને કાંકણપુર પંથકમાં નોંધાયું હતું. આ ઘટના અંગે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના હેલ્પલાઇન નંબર પર ટેલિફોનિક સંપર્ક સાધીને ભૂકંપની સત્તાવાર પુષ્ટિ કરી હતી.

 

ખાસ કરીને પઢીયાર, વિંઝોલ, કાંકણપુર અને વેલવડ જેવા ગામોમાં આ આંચકાની અસર વધુ વર્તાઈ હતી. જ્યાં જમીનમાંથી નીકળેલા અવાજને કારણે સ્થાનિક લોકોને પ્રાથમિક તબક્કે એવું લાગ્યું હતું કે જાણે કોઈ નજીકના કૂવામાં બૉમ્બ ફોડવામાં આવ્યો હોય. આ અચાનક આવેલી ધ્રુજારીના કારણે ગ્રામજનો ગભરાઈને ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. કેટલાક મકાનોના છાપરાના પતરા તેમજ ઘરવખરીના વાસણો પણ હલવા લાગ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે. જોકે, આ આંચકો પ્રમાણમાં હળવો હોવાથી જે લોકો તે સમયે જમીન પર બેઠેલા હતા તેમને જ તેનો અહેસાસ થયો હતો. જ્યારે મુસાફરી કરી રહેલા કે ઊભા રહેલા લોકોને તેની ખાસ અસર જણાઈ નહોતી. રાહતની વાત એ છે કે આ હળવા આંચકાને કારણે સમગ્ર જિલ્લામાં કોઈ જાનહાનિ કે માલહાનિના થયેલ નથી. ઉલ્લેખનીય છે કે પંચમહાલમાં અગાઉ 26 જાન્યુઆરી 2001ના રોજ આ પ્રકારની જ ધ્રુજારી અનુભવાઈ હતી. જે બાદ લાંબા સમય પછી ફરી આવી ભૂગર્ભીય ગતિવિધિ જોવા મળતા લોકોમાં જૂની સ્મૃતિઓ તાજી થઈ હતી અને પંથકમાં આ અંગે વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Back to top button
error: Content is protected !!