NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં ભાજપનો ઐતિહાસિક વિજય: ભુરાભાઈ શાહ–અશોકભાઈ ધોરાજીયાની જોડી ‘ચાણક્ય’ સાબિત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો સર્વત્ર દબદબો, કોંગ્રેસ સીમિત – જિલ્લાની રાજનીતિમાં સ્પષ્ટ સંદેશ

નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક અને એકતરફી વિજય નોંધાવ્યો છે. જિલ્લાના ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ અને અશોકભાઈ ધોરાજીયાની વ્યૂહાત્મક આગેવાની તથા ચાણક્ય સમાન રાજકીય કુશળતાના કારણે ભાજપે આ ભવ્ય જીત હાંસલ કરી છે. સમગ્ર જિલ્લામાં ભાજપનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો છે, જ્યારે કોંગ્રેસનો પ્રભાવ સીમિત રહ્યો છે.

ચૂંટણી દરમિયાન નવસારી મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 2માંથી અશોકભાઈ ધોરાજીયા દ્વારા ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલમાં નવી ઉર્જા જોવા મળી હતી. તેમના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર તેમને મેયર પદ માટે પ્રોજેક્ટ કરવામાં આવતા રાજકારણમાં એક નવો જોશ જોવા મળ્યુ હતુ.

આજેકજાહેર થયેલા અંતિમ પરિણામો મુજબ, કુલ 238 બેઠકોમાંથી ભાજપે 153 બેઠકો જીતીને ભવ્ય બહુમતી મેળવી છે. બીજી તરફ કોંગ્રેસ માત્ર 26 બેઠકો પર સીમિત રહી છે, જ્યારે અન્ય પક્ષોને 2 બેઠકો મળી છે. આમ આદમી પાર્ટી જિલ્લામાં પોતાનું ખાતું પણ ખોલી શકી નથી.

નવસારી મહાનગરપાલિકામાં ભાજપે 52માંથી 48 બેઠકો જીતતા પ્રભુત્વ સાબિત કર્યું છે, જેમાંથી 2 બેઠકો બિનહરીફ રહી હતી. કોંગ્રેસને અહીં માત્ર 2 બેઠકો મળતા તે નબળી સ્થિતિમાં રહી છે.

ગણદેવી નગરપાલિકામાં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે 24માંથી તમામ 24 બેઠકો કબજે કરી છે. તેમાં 22 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકી 2 બેઠકો પર જીત મેળવી ભાજપે ક્લીન સ્વીપ નોંધાવ્યો છે.

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપે મજબૂત પકડ જાળવી છે. નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 9 બેઠકો બિનહરીફ મળી હતી, જ્યારે 18 બેઠકો પર જીત મેળવી કુલ 27 બેઠકો ભાજપે પોતાના કબ્જે કરી છે. કોંગ્રેસને અહીં માત્ર 3 બેઠકો મળતા તેની સ્થિતિ નબળી રહી છે.

આ પરિણામો નવસારી જિલ્લામાં ભાજપની મજબૂત સંગઠન શક્તિ અને વ્યૂહાત્મક નેતૃત્વનો સ્પષ્ટ પરિચય આપે છે, જ્યારે વાંસદા તાલુકા પંચાયતની તાજેતરની ચૂંટણીમાં આવેલ પરિણામોએ સ્થાનિક રાજકીય સમીકરણોને લઈને ગંભીર ચર્ચાઓને જન્મ આપ્યો છે. પક્ષના કાર્યકર્તાઓમાં દેખાતી નિર્બળતા અને મેદાની સ્તરે સંકલનના અભાવને કારણે અનેક બેઠકોમાં અપેક્ષિત પ્રદર્શન થઈ શક્યું નથી. રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામો માત્ર એક સમયબદ્ધ પરિસ્થિતિ નહીં પરંતુ સંગઠન માળખાની ખામીઓ તરફ ઈશારો કરે છે. ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓની સક્રિયતા, મતદારો સાથેનો સંપર્ક અને વ્યૂહાત્મક આયોજનમાં ગાબડાં પડતાં, વિરોધ પક્ષને મજબૂત તક મળી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠનની પકડ નબળી પડતા પરિણામોમાં સીધી અસર જોવા મળી છે.
રાજકીય વર્તુળોમાં હવે એવી ચર્ચા તેજ બની છે કે, જો સમયસર સંગઠનને મજબૂત બનાવવામાં નહીં આવે, કાર્યકર્તાઓને ફરીથી પ્રેરિત કરી તળિયાના સ્તરે સક્રિયતા વધારવામાં નહીં આવે, તો આવનારી ચૂંટણીમાં વધુ પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આથી, હાલની પરિસ્થિતિ પક્ષ માટે ચેતવણીરૂપ છે. સંગઠન માળખામાં તાત્કાલિક સુધારાઓ, અસરકારક નેતૃત્વ અને કાર્યકર્તાઓ વચ્ચે સઘન સંકલન જ ભવિષ્યમાં સકારાત્મક પરિણામો માટે મુખ્ય ચાવી સાબિત થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!