નવસારી ખાતે વડાપ્રધાનના આગમન પૂર્વે સ્વચ્છતાની ધમાકેદાર ઝુંબેશ ! ૧૨૦ ટનથી વધુ કચરાનો નિકાલ…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી નવસારી પ્રવાસને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા ચાર દિવસીય મહા સ્વચ્છતા અભિયાનને ત્રીજા દિવસે પણ જોરદાર વેગ મળ્યો હતો. જિલ્લાના છ તાલુકાઓમાં એકસાથે સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અભિયાનના ત્રીજા દિવસે ૨૪૩ ટીમોના ૯૬૯ અધિકારી-કર્મચારી અને સફાઈ કર્મીઓએ ૨૩૮ વાહનોની મદદથી વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. આ દરમિયાન ૧૩૨ ગામો અને ૩૪૦ જાહેર સ્થળો, કુલ ૫૯ ચોરસ કિમી વિસ્તાર તથા ૧૫૫ કિમી માર્ગોની સફાઈ કરવામાં આવી હતી.
એક જ દિવસમાં ૧૨૦ ટનથી વધુ એટલે કે ૧.૨૦ લાખ કિલોગ્રામથી વધુ કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
તાલુકાવાર કામગીરીમાં જલાલપોર ૩૪.૯૦ ટન કચરાના નિકાલ સાથે પ્રથમ, ગણદેવી ૨૮.૫૫ ટન સાથે બીજા અને નવસારી તાલુકો ૨૬.૮૧ ટન સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો. ચીખલીમાં ૧૨.૫૬ ટન, ખેરગામમાં ૯.૨૫ ટન અને વાંસદામાં ૮ ટન કચરાનો નિકાલ કરાયો હતો.
વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લાને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવા માટે યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ જાહેર સ્થળો, માર્ગો અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત કામગીરી ચાલુ રાખવામાં આવશે.


