NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિરાલીબેન નાયક અને ઉપપ્રમુખ પદે અર્જુનભાઈ પટેલ સર્વાનુમતે વરાયા…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૫: નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પદે નિરાલીબેન નાયક ઉપપ્રમુખ તરીકે અર્જુનભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે કૌશિકભાઈ પટેલની નિયુક્તિ થતાં ભાજપ કાર્યકરો ભારે ઉત્સાહ સાથે ફટાકડા ફોડી અને પુષ્પહાર પહેરાવી તમામને વધાવી લીધા હતા.

નવસારી જિલ્લા પંચાયતમાં નવી રાજકીય પાંખની રચનાને લઈને ભાજપ સંગઠનમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપ અગ્રણી નિરાલીબેન નિલેશભાઈ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સાથે જ ઉપપ્રમુખ પદે વાંસદા તાલુકાની ઉનાઈ બેઠક પરથી વિજેતા બનેલા અર્જુનભાઈ પટેલ તથા કારોબારી ચેરમેન તરીકે ચીખલીની રૂમલા બેઠકના કૌશિકભાઈ પટેલની નિયુક્તિ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત દંડક પદે હેતલબેન ગોવિંદભાઈ આહિર અને શાસક પક્ષના નેતા તરીકે રમેશભાઈ ભાણાભાઈ હળપતિના નામોની જાહેરાત થતાં ભાજપના મોવડી મંડળ તથા કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. નવી ટીમની વરણી બાદ જિલ્લા પંચાયત પરિસરમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, પુષ્પહાર પહેરાવી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ આ વખતે સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્થાનિક સ્તરે લોકપ્રિયતા ધરાવતા અને લાંબા સમયથી સંગઠન તેમજ સમાજસેવામાં સક્રિય રહેલા નિરાલીબેન નાયકના નામ પર પસંદગી ઉતારવામાં આવી હતી.નિરાલીબેન નાયક વર્ષોથી છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાના કાર્યમાં સક્રિય રહ્યા છે. વિધવા પેન્શન યોજના, જનધન યોજના, ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન કાર્ડ સહિત અનેક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સમાજસેવાના ક્ષેત્રે સતત સક્રિયતાને કારણે તેમણે વિસ્તારના લોકોમાં વિશેષ લોકચાહના મેળવી હતી. નાયક પરિવાર દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી લોકસેવા અને સામાજિક કાર્ય સાથે જોડાયેલો રહ્યો છે. નિરાલીબેનના પતિ નિલેશભાઈ નાયક અમલસાડ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ તરીકે રહી ચૂક્યા છે તથા હાલમાં અમલસાડ જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ તરીકે પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. તેમજ નિરાલીબેનના સસરા સ્વર્ગસ્થ મનુભાઈ નાયક બીલીમોરાની ટાટા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા હતા. તેઓ અમલસાડ ગામના સરપંચ તેમજ અમલસાડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સતત ૪૦ વર્ષ સુધી પ્રમુખ રહી લોકસેવાના ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા હતા.cઆવા રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી આવતી નિરાલીબેન નાયકને નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખપદની જવાબદારી મળતા નવસારી શહેર સહિત અમલસાડ વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ભાજપ સંગઠન દ્વારા નવી ટીમના નેતૃત્વ હેઠળ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!