નવસારી: આગામી તા.૩૦ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન નવસારી જિલ્લાના ૨૩૮ આદિજાતિ ગામોમાં સેચ્યુરેશન કેમ્પ યોજાશે…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે આપવામાં આવશે*
નવસારી,તા.૨૪: ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યના ૨૧ જિલ્લાઓના આદિવાસી વિસ્તારો અને સમુદાયોના સર્વગ્રાહી અને ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ દ્વારા આવસ, ઇન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય અને પોષણ, શિક્ષણ, આજીવિકા, વીજળી જેવી વિવિધ પાયાની સુવિધા પુરી પાડવા વડાપ્રધાનશ્રીના આવતા ૫ વર્ષના વિઝન હેઠળ રૂા.૭૯,૧૫૬/- કરોડના બજેટ સાથે આદિજાતિ બાબતોના મંત્રાલય સહિત ૧૭ મંત્રાલયો દ્વારા ૨૫ હસ્તક્ષેપોમાં લાગુ કરવામાં આવનાર છે. નવસારી જિલ્લાના ૬ તાલુકાઓના ૨૩૮ ગામોના ૪,૯૩,૪૬૧ જેટલા આદિવાસી લોકોને વિકાસના લાભોથી લાભાન્વિત કરવા તેમજ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે.
આ અભિયાન હેઠળ આગામી તા.૩૦ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન નવસારી જિલ્લાના તમામ તાલુકાના ૨૩૮ જેટલા આદિજાતિ ગામોમાં ક્લસ્ટર બનાવી અવેરનેસ અને બેનીફિશિયરી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જાતિનો દાખલો, કિસાન ક્રેડિટ કાર્ડ, પી.એમ કિસાન યોજના, જનધન એકાઉન્ટ ખોલવા વિગેરે જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે આપવામાં આવશે. આ કેમ્પ દરમિયાન વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અખબારીયાદી મારફત અપીલ કરવામાં આવી છે.