વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષે વિકાસકાર્યોથી સંબંધિત વિવિધ મહત્વના મુદ્દાઓ ઉપસ્થિત કરીને તીખા સવાલો ઉઠાવ્યા હતા. સભામાં આંગણવાડી કેન્દ્રોની જર્જરિત હાલત, નાંધેય ગામે તૂટી ગયેલી રક્ષણકર્તા દિવાલ, મનરેગા હેઠળના ₹71 લાખના જળસંચય કાર્યોમાં ભ્રષ્ટાચાર તથા ઔરંગા નદી પર પુલના ધીમા બાંધકામ જેવા પ્રશ્નો ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વિરોધ પક્ષે આક્ષેપ કર્યો કે ખેરગામ તાલુકાના 22 ગામોમાંથી 20 ગામોની આંગણવાડીઓ બિસ્માર હાલતમાં છે, જ્યાં બાળકો માટે પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. સભામાં દર્શાવાયું કે રક્ષણકર્તા દિવાલ તૂટી જતાં નાંધેય ગંગેશ્વર મહાદેવ લોકોની સલામતી જોખમાઈ રહી છે અને તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે.મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ અને જવાબદાર વિરુદ્ધ કડક પગલાંની માંગ સાથે સભ્યોએ રજુઆત કરી. તેમજ, ગ્રામ્ય વિકાસ કામોમાં પારદર્શકતાની ઉણપ અને સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા અધિકારનો દુરુપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ મૂકાયો.વિકાસ મુદ્દે અસંતોષ અને સામાજિક જવાબદારીના પ્રશ્નો વચ્ચે બેઠક તણાવપૂર્ણ બની હતી.
વિરોધ પક્ષે ખાસ કરીને ખેડૂત, મહિલા અને બાળક કલ્યાણ સાથે સંકળાયેલા પ્રશ્નોને રજુ કરી જણાવ્યું કે આ વિષયો તાત્કાલિક ધ્યાન માંગે છે અને આગામી સમયગાળા માટે પ્રાથમિકતા આપવી જરૂરી છે.



