નવસારી: ખેરગામ પોલીસ પર ગંભીર આક્ષેપો : ગરીબ વિધવાને ન્યાયથી વંચિત રાખ્યાનો આરોપ, મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી: તા.૨૩ -નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલ માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન મામલે છેતરપિંડી, ધાકધમકી અને પોલીસ-પ્રશાસન પર સાંઠગાંઠના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે મહાર સમાજ ન્યાય સમિતિના અધ્યક્ષ અને સામાજિક કાર્યકર વિજયભાઈ બાબુભાઈ ઉચ્ચકટારે મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતમાં ખેરગામ પોલીસ, જિલ્લા પ્રશાસન અને કેટલાક પ્રભાવશાળી ઈસમો સામે ગંભીર આક્ષેપો કરતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
રજૂઆત અનુસાર, વર્ષ 2021માં પાણીખડક ગામના ગણેશભાઈ વાઘીયાએ આછવણી ગામના માતૃકૃપા શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર-6 ખરીદી હતી. બાદમાં કોરોનાકાળ દરમિયાન તેમના અવસાન પછી દુકાનના કબ્જાને લઈને વિવાદ ઊભો થયો હતો. અરજદારનો આરોપ છે કે મૂળ વેચનાર લાલજીભાઈ પટેલ અને તેમના પુત્ર શૈલેષ પટેલે વિધવા મંજુબેન વાઘીયા અને તેમના પરિવાર પર હુમલો કરી ધાકધમકી આપી હતી. પરિવારજનોએ છેડતી અને હુમલાની ફરિયાદ કરવા છતાં ખેરગામ પોલીસ દ્વારા યોગ્ય ગુનો નોંધવામાં ટાળટૂળ કરાઈ હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
વિજયભાઈ ઉચ્ચકટારે વધુમાં જણાવ્યું છે કે, ચાલુ કેસ હોવા છતાં આરોપીઓએ દુકાન સહિતની મિલ્કતો કરોડોની રકમમાં અન્ય વ્યક્તિને વેચી નાખી હોવાનું સામે આવ્યું છે. ગોકુળ પટેલ નામના વચેટિયાએ સમાધાનના બહાને પરિવારજનોને ધમકીઓ આપી ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યાનો પણ આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
અરજદારે આરોપ લગાવ્યો છે કે, દુકાન નંબર-6 પહેલેથી વેચાઈ ચુકી હોવાના દસ્તાવેજો હોવા છતાં ખેરગામ પોલીસે યોગ્ય તપાસ કર્યા વગર આરોપીઓને ક્લીનચિટ આપી દીધી છે. સાથે જ કેટલાક પોલીસ અધિકારીઓ પર આર્થિક લાભ લઈને ગરીબ વિધવાને ન્યાયથી વંચિત રાખવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
રજૂઆતમાં નવસારી જિલ્લા પ્રશાસન પર પણ નિષ્ક્રિયતા દાખવવાનો આરોપ મૂકાયો છે. અગાઉ ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા, ફેક્ટરી અને શોપિંગ કોમ્પ્લેક્સ અંગે કરાયેલી ફરિયાદોમાં પણ યોગ્ય કાર્યવાહી ન થતાં અરજદારે “સેટિંગ.કોમ”થી તંત્ર કાર્યરત હોવાનો આક્ષેપ કર્યો છે.
મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી માંગણીઓમાં દુકાન નંબર-6ના વેચાણ મામલે કલેક્ટર કચેરીમાં ખુલ્લી સુનવણી યોજવા, તમામ સંબંધિત અધિકારીઓ અને આરોપીઓને હાજર રાખવા તેમજ દસ્તાવેજોના આધારે સત્ય બહાર લાવવા માંગ કરવામાં આવી છે. જો દુકાનનું ડબલ વેચાણ સાબિત થાય તો આરોપીઓ સામે ગુનાહિત છેતરપિંડી, શરતભંગ અને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાના ગુનાઓ નોંધવાની માંગ પણ કરવામાં આવી છે.
સાથે જ પોલીસ અધિકારીઓ સામે ફરજમાં બેદરકારી અને ગેરવર્તન અંગે વિભાગીય તપાસ તથા માફી માંગવાની માંગ પણ રજૂઆતમાં સામેલ છે. ઉપરાંત, કરોડોની સંપત્તિ ખરીદનાર આદિજાતિ મદદનીશ કમિશનરની આવક અને સંપત્તિની પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન શું કાર્યવાહી કરે છે તે તરફ સ્થાનિકોની નજર ટકી હોવાની જોવા મળી રહી છે.




