નવસારી જિલ્લાના ચીખલી પેટા વિભાગ ખાતે ડિજિટલ એગ્રીકલ્ચર મોનિટરીંગ અંતર્ગત તાલીમ વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૨૧મી સદીમાં દરેક ક્ષેત્રમાં જ્યારે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીની બોલબાલા છે ત્યારે આ યુગમાં ડિજીટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા દેશના પ્રધાનમંત્રીશ્રીએ પણ અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ ક્ષેત્રમાં પણ આગળ વધવાની હાકલ કરી છે. જેને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં પણ અન્ય રાજ્યોની જેમ કૃષિ ક્ષેત્રમાં ઈન્ફર્મેશન અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે.
રિમોટ સેન્સીંગ આધારિત પાક વાવેતર વિસ્તાર, પાકની પરિસ્થિતિ, હવામાન અને થનાર ઉત્પાદન તથા તેને સંલગ્ન બાબતો પરત્વે સુરત વિભાગના તમામ જિલ્લાઓના કૃષિ ખાતાના અધિકારીઓનો તાલીમ વર્કશોપ ચીખલી પેટા વિભાગ, ચીખલી ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામકશ્રી, સુરત શ્રી કે. વી. પટેલ ખાસ હાજર રહ્યા હતા. તાલીમ અધિકારી તરીકે કૃષિભવન ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી Coforgeના ટીમ લીડર શ્રી સોવેન મુખર્જી તથા આકાશ પટેલ અને સુરત વિભાગના તમામ જિલ્લાના જિલ્લા ખેતી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રીઓ, મદદનીશ ખેતી નિયામકશ્રી, ખેતી અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી તેમજ જિલ્લામાંથી એક-એક પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા.
Coforgeના અધિકારીઓ દ્વારા હાલમાં ખાતા દ્વારા ઝુંબેશ રૂપે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ જેવા કે ડિજીટલ ક્રોપ સર્વે તેમજ એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. જેમાં સેટેલાઈટ બેઝ્ડ રિમોટ સેન્સીંગ આધારિત પાક વાવેતર વિસ્તાર એસ્ટીમેશન, પાક પરિસ્થિતી આધારિત રોગ જીવાતની શક્યતાઓને ધ્યાને લઈ ખેડૂતોને માહિતગાર કરવા તથા હવામાનના બદલાવ અને તેની પાક ઉપર થનાર અસરો બાબતે સેટેલાઈટ બેઝ્ડ રિમોટ સેન્સીંગ થી માહિતી કઇ રીતે મેળવી શકાય અને કઇ રીતે તેનો ઉપયોગ કરી શકાય અને ખેડૂતોને આગોતરું આયોજન કરવા મદદરૂપ થઈ શકાય તે અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત હાલમાં મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે અને કૃષિમંત્રીશ્રીની હાજરીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને પાક આધારિત તમામ માહિતી આંગળીના ટેરવે મળી રહે તેને માટે “કૃષિ પ્રગતિ એપ” લોન્ચ કરવામાં આવેલ છે જે ગૂગલ પ્લે સ્ટોર તથા iosસ્ટોર બંને પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનથી ખેડૂતોને પોતાના ખેતરમાં વાવેલ પાકની પરિસ્થિતિ, રોગ જીવાત નિયંત્રણ, પાકને પિયતની જરૂરિયાત તેમજ બજાર ભાવ સુધીની તમામ માહિતી મળી રહે તે પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવી છે ત્યારે આ એપ્લિકેશનની માહિતી વર્કશોપમાં આપવામાં આવી હતી અને વધુમાં વધુ ખેડૂતો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.