વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૩ જૂન : ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં શિક્ષણની કથળતી સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. વર્ષોથી શિક્ષકોની ભારે અછત અને બહારના શિક્ષકો દ્વારા સ્થાનિક બોલી-સંસ્કૃતિની અજ્ઞાનતા કચ્છના બાળકોના ભવિષ્યને ધૂંધળું બનાવી રહી છે. આ સમસ્યા માત્ર શૈક્ષણિક પછાતપણા પૂરતી સીમિત નથી, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને સમુદાય પર પણ ગંભીર પ્રભાવ પાડી રહી છે. તાજેતરમાં રાજ્ય સરકારે 4100 શિક્ષકોની ભરતીને મંજૂરી આપી હોવા છતાં, વર્તમાન ભરતી પ્રક્રિયા અને નિયમો કચ્છના સ્થાનિક ઉમેદવારો માટે અવરોધરૂપ બની રહ્યા છે. મળતી માહિતી મુજબ, 27મી જૂને ગ્રામ પંચાયત ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાં જ બહારના અધિકારીઓ દ્વારા તાત્કાલિક બહારના મળતીયા શિક્ષકોના ઓર્ડર વિતરણ કરી દેવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે, જે કચ્છના શિક્ષણ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
શિક્ષકોની ઘટ અને કચ્છી ભાષાનો પડકાર : કચ્છમાં હાલ 10,000 શિક્ષકોની જરૂરિયાત સામે 5,000થી પણ ઓછા શિક્ષકો કાર્યરત છે. અનેક શાળાઓ તો માત્ર એક શિક્ષકના ભરોસે ચાલી રહી છે. આ સ્થિતિમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું લગભગ અશક્ય છે.
સમસ્યાનો મૂળ બહારથી આવતા શિક્ષકો સાથે જોડાયેલો છે. કચ્છની અનોખી કચ્છી બોલી અને સંસ્કૃતિથી તેઓ અજાણ હોય છે. પરિણામે, બાળકો સાથે તેમનો સંવાદ સ્થાપિત થતો નથી અને પાંચ વર્ષ પૂરા થતાં જ તેઓ પોતાના વતનમાં બદલી કરાવીને જતા રહે છે. આનાથી શિક્ષણમાં સાતત્ય જળવાતું નથી અને બાળકો હંમેશા પછાત રહી જાય છે.
તાત્કાલિક ભરતી પ્રક્રિયા સ્થગિત કરો: કચ્છના ભવિષ્યનો સવાલ તાજેતરમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉગ્ર રજૂઆતના પગલે રાજ્ય સરકારે કચ્છ માટે 4100 શિક્ષકોની ભરતીને મંજૂરી આપી. પરંતુ, આ ભરતી માટે ટેટ અને ટાટ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવી છે, જ્યારે અગાઉ મેરિટના ધોરણે ભરતી થતી હતી. આ પરીક્ષાઓની કઠિનતા, કથિત પેપરલીક અને તપાસમાં પારદર્શિતાના અભાવ અંગે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પરિણામે, 4100 શિક્ષકોની જગ્યા સામે કચ્છના લાયક કચ્છી ઉમેદવારોની સંખ્યા 100થી પણ ઓછી છે.
આ સ્થિતિ માટેનું એક મુખ્ય કારણ એ છે કે “ટેટ અને ટાટ પરીક્ષા કેન્દ્ર” વારંવારની માંગણી છતાં કચ્છમાં ફાળવવામાં આવતું નથી. કચ્છના વિદ્યાર્થીઓ ચોર છે કે નિરીક્ષક ઉપર ભરોસો નથી? કચ્છના વિદ્યાર્થીઓએ 400 કિલોમીટરથી વધુ દૂર અમદાવાદ જેવા શહેરોમાં પરીક્ષા આપવા જવું પડે છે. ગરીબ વિદ્યાર્થીઓ આખી રાત બસમાં મુસાફરી કરીને, થાકેલા અને ભૂખ્યા પેટે, પ્રતિકૂળ વાતાવરણમાં પરીક્ષા આપે છે. આનાથી તેમના પ્રદર્શન પર નકારાત્મક અસર પડે છે અને તેઓ સફળ થઈ શકતા નથી.
સૌથી ગંભીર બાબત એ છે કે, જો 27મી જૂને આચારસંહિતા પૂરી થતાં જ વર્તમાન ભરતી પ્રક્રિયા હેઠળ બહારના શિક્ષકોને ઓર્ડર આપી દેવામાં આવશે, તો ફરી પાંચ વર્ષ સુધી કચ્છના વિદ્યાર્થીઓનું શિક્ષણ અંધકારમાં ધકેલાઈ જશે.
આથી, અમારી સ્પષ્ટ માંગ છે કે: વર્તમાન શિક્ષક ભરતી પ્રક્રિયા (ખાસ કરીને કચ્છ માટે મંજૂર થયેલ 4100 શિક્ષકોની) જ્યાં છે ત્યાંથી તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે. ગુજરાતના અન્ય 33 જિલ્લાઓમાં મંજૂર થયેલ 12,000 જગ્યાઓની ભરતી પ્રક્રિયા ભલે ચાલુ રહે. પરંતુ, કચ્છને મળેલ ખાસ 4100 શિક્ષકોની મંજૂરીની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે રદ્દ કરીને નવેસરથી હાથ ધરવામાં આવે.
સ્થાનિક ભરતી એ જ ઉકેલ: 1997નું મોડેલ અપનાવો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કચ્છના સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવું અનિવાર્ય છે. 1997માં તત્કાલીન સરકારે મેરિટના ધોરણે સ્થાનિક ઉમેદવારોની ભરતી કરી હતી, જેમાં સ્નાતક, અનુસ્નાતક, પીટીસી અને બી.એડ.ની ટકાવારીના આધારે પસંદગી થતી હતી. જો ફરીથી આ પદ્ધતિ અપનાવવામાં આવે અથવા નીચે મુજબના પગલાં લેવાય, તો કચ્છના શિક્ષણની કાયાપલટ થઈ શકે છે: માત્ર કચ્છના વિદ્યાર્થીઓ માટે ખાસ ભરતી: કચ્છી ભાષા સમજી શકે તેવા, કચ્છમાં જન્મેલા અને કચ્છમાં ભણેલા વિદ્યાર્થીઓ જ આ 4100 જગ્યાઓ માટે અરજી કરી શકે તેવી જોગવાઈ કરવી.
સ્થાનિક પરીક્ષા કેન્દ્રો: ટેટ અને ટાટ પરીક્ષા માટે કચ્છ જિલ્લામાં જ પરીક્ષા કેન્દ્રો ફાળવવા.મેરિટ આધારિત પસંદગી: ઉપરોક્ત ઉમેદવારોમાંથી પ્રથમ 4100 લાયક વિદ્યાર્થીઓની મેરિટના આધારે સીધી ભરતી કરવી.પ્રવેશોત્સવ નહીં, “શિક્ષકોત્સવ”ની જરૂર વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે શાળાઓ શિક્ષકો વગર ખાલી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશોત્સવ ઉજવવાની ઉતાવળ અસ્થાને છે. બાળકોને શાળામાં પ્રવેશ અપાવતા પહેલા શિક્ષકોને શાળામાં પ્રવેશ અપાવવો અત્યંત જરૂરી છે.વળી, આ પ્રવેશોત્સવ જાણી જોઈને કચ્છી નવા વર્ષના સમયગાળામાં રાખવામાં આવ્યો છે, જેના કારણે કચ્છના લોકો પોતાનો સ્થાનિક તહેવાર ઉજવી શકતા નથી. આ એક સ્થાનિક સાંસ્કૃતિક ઉત્સવ પરનો વાર સમાન છે. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે પ્રવેશોત્સવ 15 દિવસ પાછળ ઠેલવામાં આવ્યો હતો, તો થોડા દિવસો પછી કચ્છી નવું વર્ષ પૂરું થયા બાદ તેનું આયોજન કરવામાં શું વાંધો છે? રાજકારણીઓને માત્ર ફોટો પડાવવામાં જ રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.ઉચ્ચ સ્તરીય તપાસની માંગ વધુ એક ગંભીર બાબત એ છે કે, કચ્છમાં 30% બાળકો દાખલ થયા બાદ અભ્યાસ છોડી દે છે. કેમ કે શિક્ષકો અને બાળકો વચ્ચે ભાષાને લીધે તાલમેલ રહેતો નથી જેનાથી કંટાળીને બાળકો શાળાએ જતા નથી. આ ડ્રોપઆઉટ રેટ પાછળના કારણોની પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ.આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવું અને યોગ્ય પગલાં લેવા અત્યંત જરૂરી છે. કચ્છના ભવિષ્ય માટે, સ્થાનિક શિક્ષકોની ભરતી અને શિક્ષણ પ્રણાલીમાં સુધારા અનિવાર્ય છે. આશા છે કે આ રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને સંબંધિત સત્તાધીશો સુધી પહોંચશે અને કચ્છના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નક્કર પગલાં લેવાશે.