આણંદ મહાનગરપાલિકાનો નવો લોગો જાહેર
આણંદ મહાનગરપાલિકાનો નવો લોગો જાહેર
તાહિર મેમણ – આણંદ – 23/01/2025 -આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરને નવી ઓળખ આપવા માટે નવો લોગો જાહેર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર પ્રવીણ ચૌધરીની પહેલથી યોજાયેલી લોગો ડિઝાઈન સ્પર્ધામાં રાજકોટના એમએસ ડિઝાઈન સ્ટુડિયોના કલાકાર મનોજ સોંડાગરની ડિઝાઈન પસંદ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપનાના જણાવ્યા અનુસાર, નવા લોગોમાં આણંદની વિશિષ્ટ ઓળખ અને વિકાસયાત્રાને પ્રતિબિંબિત કરવામાં આવી છે. લોગોનો ગોળાકાર આકાર એકતા અને સંપૂર્ણતાનું પ્રતીક છે, જ્યારે સૂર્યકિરણ જેવી ડિઝાઈન શહેરના ઉજ્જવળ ભવિષ્ય તરફના પ્રયાણને દર્શાવે છે. લોગોમાં વપરાયેલો નીલો રંગ વિશ્વાસ અને સુશાસનનું પ્રતીક છે, જ્યારે સફેદ રંગ શ્વેત ક્રાંતિ, પારદર્શિતા અને સાદગીને રજૂ કરે છે.
નોંધનીય છે કે આણંદ મહાનગરપાલિકામાં વલ્લભ વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા ઉપરાંત મોગરી, જીટોડીયા અને લાંભવેલ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લોગો સ્પર્ધામાં 500થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો, જેમાંથી સર્વશ્રેષ્ઠ ડિઝાઈનની પસંદગી કરવામાં આવી છે.