અમદાવાદમાં NIFના રજત જયંતી સમારોહની ઉજવણી, ઇનોવેટર્સને એનાયત કરાયા એવોર્ડ્સ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: સાયન્સ સિટી ખાતે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF)ના રજત જયંતી સમારોહનો ભવ્ય પ્રારંભ થયો, જ્યાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં દેશભરના ઇનોવેટર્સને તેમના વિશિષ્ટ યોગદાન માટે એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા.
કેન્દ્રીય સાયન્સ ઍન્ડ ટેકનોલૉજી રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત ‘વિકસિત ભારત @2047’ના લક્ષ્યાંકને સાકાર કરવા માટે NIFની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારના નાગરિકો NIF જેવા પ્લેટફોર્મ દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપી શકે છે.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે NIF ગામડાઓમાં આધુનિક ટેક્નોલૉજી પ્રસારિત કરી શકશે, જેનાથી ગ્રામ વિકાસ અને સ્થળાંતન રોકવામાં મદદ મળશે. તેમણે કહ્યું, “ગામડાં મજબૂત થશે, તો જ દેશ મજબૂત થશે,” અને B2B મોડેલના પ્રોત્સાહન પર પણ ભાર મૂક્યો.
સમારંભમાં NIFના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધેએ છેલ્લા 25 વર્ષમાં NIFની ઉપલબ્ધિઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી.
આ પ્રસંગે NIFના રજત જયંતી નિમિત્તે પોસ્ટલ ટિકિટ, કૉફી ટેબલ બુક અને દ્વિ-માસિક સામયિકનું વિમોચન કરાયું. ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર કૃષ્ણકુમાર યાદવ, NIFના ડાયરેક્ટર ડૉ. અરવિંદ રાનડે અને દેશભરના પ્રખ્યાત ઇનોવેટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.