કાલોલ શહેરમાંથી પસાર થતા હાઈવે પર હાઈવા ટ્રેલરનો કહેર, બાઇકને ટક્કર મારી વૃદ્ધને ઘાયલ કરી ચાલક ફરાર.

તારીખ ૨૩/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ-ગોધરા હાઈવે રોડ પર આવેલ ગધેડી ફળિયાના નાકા પાસે સાંઈ હોટલ સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટાટા કંપનીના હાઈવા ટ્રેલરના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને પાછળથી ટક્કર મારતાં વૃદ્ધ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી હાઈવા ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના મધવાસ ગામે રહેતા દલપતસિંહ ભારતસિંહ પરમાર ગત તા. ૧૯/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના છ એક વાગ્યાના અરસામાં પોતાની હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ-17-CG-4552 લઈને કાલોલ બજારમાં શાકભાજી લેવા નીકળ્યા હતા. તે દરમિયાન હાલોલ તરફથી આવી રહેલા એક ટાટા કંપનીના હાઈવા ટ્રેલરે કાલોલ ગધેડી ફળિયાના નાકા પાસે સાંઈ હોટલ સામે તેમની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ દલપતસિંહ રોડ પર પટકાતાં તેમને ડાબી આંખના ઉપરના ભાગે, ડાબા ખભે, જમણા પગે તેમજ ડાબા પગના અંગૂઠા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત દલપતસિંહને ટ્રેલર માંથી બહાર કાઢી તાત્કાલિક કાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને કાલોલની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ, તેમની પુત્રી પ્રતિમાબેન દલપતસિંહ પરમાર (રહે. ગોઠડા, તા. સાવલી, જી. વડોદરા) એ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે આવીને અજાણ્યા હાઈવા ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર હાઈવા ટ્રેલરના માલિક દેલોલ ગામના ભરવાડ દેવાભાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે BNS ની કલમ ૨૮૧, ૧૨૫(a) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪, ૧૮૭ હેઠળ કાયદેસરની તપાસ હાથ ધરી છે.







