વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા. 14 : ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતીના પાવન દિવસે આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા પદવીદાન સમારોહમાં પ્રમુખસ્થાનેથી આર્શીવચન આપતા યુનિવર્સિટીના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે નેતાઓ ભાષણ કરતા હોય છે જ્યારે આજના દીક્ષાંત સમારોહમાં જ્ઞાનરૂપી પ્રવચન કરીને વક્તાઓએ કાર્યક્રમને સત્સંગ સભામાં ફેરવી દીધી હોય એવું લાગે છે. એમણે ગુજરાતના શિક્ષણ વિભાગમાં સંતોરૂપી બે શિક્ષણમંત્રીઓ આપવા બદલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટીને વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવીને પરિવાર ભાવનાથી વિશ્વકક્ષાએ નામના અપાવનાર ઉપકુલપતિ ડો. અમીબેન ઉપાધ્યાય અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા.
પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, એમના માતા-પિતા અને ગુરુજનોને પણ અભિનંદન આપતા જવાબદાર નાગરિક બનવાની સલાહ આપતા ભારતીય દર્શન મુજબ ધર્મ, અર્થ અને કામ કરતા મોક્ષ પ્રાપ્ત કરવું એ જ વિદ્યાનું મુખ્ય ઉદ્દેશ છે એમ જણાવ્યું હતું.
દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ સ્વાગત પ્રવચન કરતા યુનિવર્સિટીના ઉપકુલપતિ અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે યોગાનુયોગ આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી છે બીજું આજે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પદવી મેળવશે ત્રીજું ડો.આંબેડકરનું સમગ્ર જીવન સમરસતાને સમર્પિત હતું ત્યારે આ વર્ષથી જ યુનિવર્સિટી સમરસતા એવોર્ડની શરૂઆત કરી રહી છે ત્યારે ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં પધારેલ મહાનુભવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
દિલ્હીથી પધારેલ અતિથિ વિશેષ અને યુ.જી.સી.ના પૂર્વાધ્યક્ષ એમ. જગદીશકુમારે અંગ્રેજીમાં ઉદબોદન કરતા નચિકેતા અને ભગીરથને યાદ કરીને સારા શ્રોતા બનવાની શીખ આપતા સફળતાનું શિખર સર કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
રાજ્યકક્ષાના ઉચ્ચ શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ ઉચ્ચ શિક્ષણ મેળવીને પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા સમાજમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાની સલાહ આપી હતી. ગીતામાં અનેક વખત અર્જુનને જ્ઞાની બનવાની સલાહ આપનાર ભગવાન શ્રીકૃષ્ણના ગીતાજ્ઞાનની સમજણ આપતા ટોળાશાહી યુદ્ધને બદલે સમાજમાં પ્રવેશેલ અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને ગરીબીને દૂર કરવા દેશના નાનામાં નાના માણસ સુધી શિક્ષણ, આરોગ્ય અને નાંણાકીય યોજનાઓથી માહિતગાર કરીને ન્યાય અપાવી ડો.આંબેડકરના સપનાને સાકર કરીને સાચા અર્થમાં અંજલી આપવાની વાત કરી હતી.
કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલે જય શ્રીકૃષ્ણથી શરૂઆત કરતા ડિગ્રી મેળવીને નવી ઇનિંગની શરૂઆત કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને વ્હાલા ભૂલકાઓને સંબોધીને માહિતી અને જ્ઞાન વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ટેકનોલોજીના યુગમાં મેળવેલ માહિતીને જ્ઞાનમાં કન્વર્ટ કરી રોજગારીની સાથે સમાજ સેવા કરવાની સલાહ આપી હતી. ગોલ્ડ મેડલથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓની ટેકનોલોજીની મદદથી ઓલ રાઉન્ડર દેખાવ કરીને 2047 સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત રાષ્ટ્ર્ર બનાવવાના સ્વપ્નને સાકાર કરી ભારતને વિશ્વબંધુ બનાવવામાં મદદરૂપ થવાની વાત કરી હતી.યુનિવર્સિટીના આઠ રિઝનલ સેન્ટરમાંથી પાટણ પાલનપુરના સેન્ટરને બેસ્ટ સેન્ટરનું એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.સામાજિક સમરસતા, મહિલા સશક્તિકરણ અને સેવા કાર્યમાં અતુલ્ય યોગદાન આપવા બદલ શ્રીમતી પલ્લવી ગિરીશ ગુપ્તેને ડો. બાબા સાહેબ આંબેડકર સમરસતા એવોર્ડ અંતર્ગત 51000નો પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવેલ.ખેલો ઇન્ડિયા પારા ગેમ્સ મહિલા વિભાગ ટેબલ ટેનિસમાં સુવર્ણચંદ્રક મેળવવા બદલ ભાવિકા કુકડીયા, એક લાખની વિશેષ શિષ્યવૃત્તિ મેળવનાર કિંજલબેન ગણેશભાઈ પરમાર તથા શ્રવણ બાધીત હોવા છતાં પ્રથમ પ્રયત્ને બી.કોમ.ની ડિગ્રી મેળવનાર કેજોલ જીગરકુમાર સેલોટનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તૃત્તીય એ.આઈ.યુ. રાષ્ટ્રીય મહિલા વિદ્યાર્થી સંસદ 2024-25માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ગ્રુપને પણ સન્માનિત કરવામાં આવી હતી.આભારવિધિ યુનિવર્સિટીના કુલસચિવ ડો.એ. કે. જાડેજાએ કરી હતી. સંચાલન વિવિધ ભાષાઓમાં ઉચ્ચકોટિના શબ્દપ્રયોગ દ્વારા પ્રભાવિત કરનાર વિદ્વાનભાઈએ કર્યું હતું.કાર્યક્રમમાં ડિગ્રી મેળવનાર અને મેળવવા ઈચ્છુક દિવ્યાંગ અને ટ્રાન્સજેન્ડર્સ સહિત 1400 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે કદાચ આવી પહેલી ઘટના હતી. આ ઉપરાંત છેલ્લે સુધી વિદ્યાર્થીઓના માતા-પિતાને પ્રોટોકોલના બહાના હેઠળ હોલની અંદર આવવાની મંજૂરી ન આપતા વાલીઓએ ગરમીમાં યુ ટ્યુબ ચેનલ ઉપર ઓનલાઇન કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં સ્પષ્ટ અવાજ ન સંભળાતા એક જાગૃત વાલી દ્વારા ઓનલાઇન કોમેન્ટ કરતા ઇન્ટરવલ બાદ ચાલુ કાર્યક્રમએ રાજ્યપાલના પ્રવચન દરમિયાન માઇકને બદલવામાં આવ્યું હતું. આમ છતાં કાર્યક્રમના અંતે પૂર્ણાહુતિની મંજૂરી મેળવવા રાજ્યપાલને આપવામાં આવેલ માઇક પણ ચાલુ થઈ ન શકતા સામૂહિક રાષ્ટ્રગાન શરૂ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરી દેવામાં આવેલ. કરોડોની ગ્રાન્ટ મેળવનાર યુનિવર્સિટીને ટેકનિકલ યુગમાં નવી માઇક સિસ્ટમ સરકાર દ્વારા આપવામાં આવે એવી લોકોએ માંગ કરી છે. આ ઉપરાંત દર વખતની જેમ આ વખતે કાર્યક્રમની પહેલા અને પછી મેડલ મેળવનાર વિદ્યાર્થીઓના નામની યાદી જાહેર ન કરીને કયા કારણોસર ખાનગી રાખવામાં આવેલ છે એવો ગણઘણાટ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સાંભળવા મળ્યો હતો.
મેડલ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી.બી.એ.માં સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) મેળવનાર અંબર પટેલ, ખુશ્બુ ખોળજીયા, આલેફીયા વીજળીવાળા, દીપેશકુમાર ચુડાસમા, પિન્કીબેન ચૌધરી, સંગીતા ભીમાણી, અશોકકુમાર ચૌધરી, કાર્તિકકુમાર ખોરડીયા, શિલ્પાબેન ડાભી, કાળીબેન રબારી, ગણપતસિંહ ચૌહાણ, શ્વેતા સોલંકી તથા બી.કોમમાં સાહિલ સથવારા અને આશિષ ચિરોડિયા જયારે બી.એડ.માં રાજેશભાઈ દેસાઈ.એમ.એ.માં સુવર્ણ પદક (ગોલ્ડ મેડલ) મેળવનાર મૈત્રી અડવાણી (અંગ્રેજી), તૃપ્તિબેન ખીમસુરીયા (અંગ્રેજી), નેહલબેન સોલંકી (ગુજરાતી), ખુશ્બુબેન મહેશ્વરી (ઇતિહાસ), કચ્છ મુન્દ્રાના કવિતાબેન રાઠોડ (હિન્દી), ધવલકુમાર વેકરીયા (સમાજશાસ્ત્ર), ચેતનાદેવી સિદ્ધપુરીયા (સમાજ કાર્ય) જયારે એમ.કોમ.માં આયુષી ચૌહાણ અને વિરલબેન ચૌધરી.રજત પદક (સિલ્વર મેડલ) મેળવનાર બી.એ.માં રુચાબેન વાજા, સાનિયાબેન ટૂકા, સારાહ રંગૂનવાલા, ખુશાલી અગ્રાવત, પ્રતીકકુમાર પટેલ, નિલેશકુમાર આસોદરીયા, સિદ્ધાર્થકુમાર ચાવડા, મોહીનાબાનું સેરસિયા, ગોપી ડોબરીયા, બી.કોમ.માં મનિષાબેન પ્રજાપતિ, બી.બી.એ. મરીયમ યામીન, બી.એડ. વેદપ્રકાશ કનોજીયા, પ્રતિભા બારૈયા, પ્રજ્ઞા ધાંધલીયા (સ્પેશિયલ), બી.સી.એ. વર્ષા પંડ્યા, હિરેનકુમાર મેઘાણી.એમ.એ.માં વનિતાબેન મેર (અંગ્રેજી), ગુલાબસના બાદી (અંગ્રેજી), ધરતીબેન દરજી (ગુજરાતી), ભક્તિબેન રાસ્તે (હિન્દી), જીનલબેન પટેલ (સમાજશાસ્ત્ર), નિયતિબેન કચા (સામાજ કાર્ય), ભૂમિકાકુમારી પટેલ (સામાજ કાર્ય), એમ.કોમ. રાધા ગઢવી, અવનીબા ચાવડા, એમ.એસ.સી.આઈ.ટી. પ્રિતેશકુમાર પટેલ, દિવ્યકાંત વાઘેલા.
પાછળથી જોડાયેલા ધ્રુવા જોશી, અમિત ઠાકર, નીલાક્ષી પટેલ, દિપ્તી સોલંકી, ખુશી સોલંકી, ઉષ્મા ખાન, વિશાલ સોલંકી, સાક્ષી તિવારી.પી.એચ.ડી. પાસ કરીને ડોક્ટરેટની ઉપાધિ મેળવનાર 25 થી 70 વર્ષથી વધુ ઉંમરના યુવા વિદ્યાર્થીઓ ધર્મેશકુમાર કટારા, મથુરભાઈ પરમાર, વિજયકુમાર પરમાર, અનિતા મહેતા, દિવ્યાસાબેન, ઉર્વીબેન અજીતકુમાર મહેતા, હેતલગીરી કિશોરગીરી, રેશ્મા સેવંતીકુમાર, અંજનીકુમાર નીરજ, શ્રદ્ધા નરેન્દ્ર ઝા, શૈલેષ રાવોત, કિંજલબેન પરમાર, વિશ્વા શાહ, રમીલાબેન શુક્લા, કેજલબેન સતની અને આસના ત્રેહાન.