
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૮ એપ્રિલ : વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day) નિમિત્તે ભુજ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાના હેતુથી KTG – KutchTravelGuru અને VAERA INNOVATIONS દ્વારા જ્ઞાનવર્ધક હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ભુજના સમૃદ્ધ ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળોથી માહિતગાર કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રસિદ્ધ હેરિટેજ જાણકાર અને નિત્ય પ્રવાસી શ્રી અખિલેશભાઈ અંતાણીના પ્રેરણાદાયી પ્રવચનથી થઈ હતી. આ હેરિટેજ વોકમાં સ્થાનિક નાગરિકો, ભારતીય સેનાના પરિવારોના સભ્યો, યુવાનો અને ઇતિહાસપ્રેમીઓ સહિત વિવિધ વયજૂથના ૪૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓને ભુજના વારસાને નજીકથી અનુભવવાનો અનોખો અવસર મળ્યો હતો.આ હેરિટેજ વોક સ્મૃતિવન મ્યુઝિયમના ડિરેક્ટર, કચ્છ ટ્રાવેલ ગુરૂ અને વાયેરા ઈનોવેશનના સ્થાપક શ્રી વ્યોમ અંજારિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. તેઓ સપરિવાર આ વોકમાં જોડાયા હતા અને ઐતિહાસિક સ્થળોની સુંદર ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી કરી હતી. સમગ્ર વોકનું સંચાલન સંયોજક તરીકે શ્રી એમ.આઈ. બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ, ગુજરાત ટુરિઝમ માન્ય અને અનુભવી ગાઈડ શ્રી રાજેશભાઈ માંકડ તેમજ શ્રી દિનેશભાઈ મચ્છરે પ્રવાસીઓને દરેક સ્થળના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સ્થાપત્યના મહત્વ અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી પૂરી પાડી હતી.આ વોક દરમિયાન ભુજ શહેરની સ્થાપના સાથે સંકળાયેલા ૧૨થી વધુ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તોરણ ગેટ, જૂની જેલ, હાથીસ્થાન, મોટી પોશાળ જાગીર, સરપટ ગેટ અને ભૂકંપમાં વિસરાઈ ગયેલી જૂની ફળિયા સિસ્ટમ વિશે લોકોને માહિતગાર કરાયા હતા. આ મુલાકાત દરમિયાન સૌપ્રથમ ખીલીપૂજન સ્થળનો ઇતિહાસ વર્ણવવામાં આવ્યો હતો, જ્યાં રાવ ખેંગારજી પહેલાએ વિ.સં. ૧૬૦૫માં માગસર સુદ પાંચમના દિવસે ખીલી ખોડીને ભુજ શહેરની સ્થાપના કરી હતી. ત્યારબાદ પ્રવાસીઓએ ૧૮મી સદીમાં રાવ લખપતજી દ્વારા નિર્મિત અને કચ્છી મિસ્ત્રી રામ સિંહ માલમના વાસ્તુ શિલ્પના ઉત્તમ નમૂના સમાન આઈના મહેલની મુલાકાત લીધી હતી, જેની સફેદ આરસની દીવાલો અને અરીસાઓ આકર્ષણનું કેન્દ્ર છે. તેની જ બાજુમાં આવેલા અને ૧૯મી સદીમાં રાવ પ્રાગમલજી દ્વારા ઈટાલિયન ગોથિક શૈલીમાં નિર્મિત પ્રાગ મહેલની ભવ્યતાથી પણ સૌને પરિચિત કરવામાં આવ્યા હતા.આ ઐતિહાસિક સફરને આગળ વધારતા, પ્રવાસીઓને દરબારગઢમાં પ્રાગ મહેલની સામે આવેલા રાણીવાસ વિશે માહિતી અપાઈ હતી, જ્યાંથી રાણીઓ ઝરૂખામાંથી કાર્યક્રમો નિહાળતા હતા. લોકોને ૩૦૦ વર્ષ જૂની ટંકશાળનો પણ પરિચય કરાવાયો હતો, જ્યાં રાજાશાહી વખતમાં કચ્છરાજનું ચલણી નાણું છપાતું હતું. અંતમાં, ૧૮૪૯માં શરૂ થયેલી અને ૧૮૮૭માં મહારાણી વિક્ટોરિયાની જયંતી નિમિત્તે વિસ્તૃતિકરણ પામેલી ઐતિહાસિક જ્યુબિલી હોસ્પિટલની મુલાકાત લેવાઈ હતી, જેનો પાયો ડ્યુક ઓફ કોનોટના હસ્તે નખાયો હતો. આ સમગ્ર જ્ઞાનવર્ધક અને ઐતિહાસિક વોકના અંતે શ્રી દિનેશભાઈ મચ્છરે ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.






