વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-04 એપ્રિલ : કચ્છની પાલારા ખાસ જેલમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કચ્છ દ્વારા ઓરલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૯૫થી વધુ કાચા અને પાકા કામના કેદીઓ અને પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવારના સભ્યોની મોં અને દાંતની તપાસ તેમજ ઓરલ કેન્સરનું સ્ક્રીનીંગ કેમ્પ દરમિયાન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ અને પાલારા ખાસ જેલના અધિક્ષકના સહયોગથી આ કેમ્પમાં મોઢાના કેન્સર અને તેની પરેજી અંગેની વિગતોથી કેદીઓ અને જેલના કર્મચારીઓને માહિતગાર કરાયા હતા. આ કેમ્માં ડૉ.પ્રાચી દોશી એ ઓરલ હેલ્થ અને કેન્સરના વિવિધ પ્રકાર તેમજ તેની સારવાર અને તમાકુથી થતાં કેન્સર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના શ્રી વિનોદભાઈ અને સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેટરશ્રી ઈસ્માઈલ સમાએ તમાકુના દૂષણથી કેવી રીતે મુક્ત થઈને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. પાલારાના સીનીયર જેલર શ્રી બી.કે.જાખડ એ જીવનમાં વ્યસનની બદીથી દૂર રહેવા અપીલ કરી હતી. જેલના મેડીકલ ઓફીસર ડૉ.મનોજ પરમારે ઓરલ હેલ્થમાં વહેલા નિદાન ઉપર ભાર મુક્યો હતો.આ કેમ્પમાં પાલારા ખાસ જેલના કુલ ૯૫ બંદીવાન કેદીઓના ઓરલ હેલ્થની તપાસ કરવામાં આવી. આ કેમ્પમાં મોં અને દાંતની દંત નિષ્ણાંત ટીમના ડૉ. પ્રાચી દોશી, ડૉ.દિનેશ ધરજીયા, ડૉ. પૂજા કથરેચા, ડો. હર્ષ મોદી, ડૉ. જગદીશ ગામીત દ્વારા કેદીઓની અને કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી. ચોક્કસ તપાસ બાદ જરૂરિયાત મુજબ દવાઓ અને સારવાર પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાઈકોલોજિસ્ટ પ્રજેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા જેલ પોલીસ સ્ટાફ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તબીબોએ વિશેષ જહેમત ઉઠાવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.