ભરૂચમાં ધરતી આબા અભિયાન શરૂ:15 જુલાઈ સુધી જાગૃતિ અને લાભ વિતરણ કેમ્પનું આયોજન
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 જુલાઈ 2025 સુધી આદિવાસી વિસ્તારમાં વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કલસ્ટર આધારિત સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની સેવાઓ આપવામાં આવશે. વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શન જેવી યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ અને આજીવિકામાં સુધારો કરવાનો છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર નિશા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.