વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, 04 જૂન : ઉનાળુ વેકેશન પૂરું થવા જઈ રહ્યું છે અને આગામી સોમવારથી શાળાઓ ફરી ધમધમતી થશે, ત્યારે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલા રતાડીયા ગામના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉચ્ચ શિક્ષણ માટેની પરિવહન વ્યવસ્થાને લઈને ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી રતાડીયા ગામમાંથી એસ.ટી. બસ સેવા બંધ હોવાને કારણે ધોરણ ૧૦ પછીના ઉચ્ચ અભ્યાસ માટે તાલુકા કક્ષાએ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક ધારાસભ્ય પણ આંખ આડા કાન?
આ મામલે ગામના જાગૃત વાલીઓએ રાજ્યના વાહનવ્યવહાર વિભાગ અને એસ.ટી. નિગમના ઉચ્ચ અધિકારીઓને ગત વર્ષે લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ ‘નવી બસોની ઉપલબ્ધતા નથી’, ‘સ્ટાફની કમી છે’ જેવા વિવિધ બહાનાઓ હેઠળ તેમની માંગણીને ફગાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં, આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવા છતાં કોઈ સાનુકૂળ પ્રતિસાદ મળ્યો નથી. લોકપ્રતિનિધિઓ જ જ્યારે પ્રજાની વેદના પ્રત્યે આંખ આડા કાન કરતા હોય, ત્યારે વિદ્યાર્થીઓ અને વડીલો પોતાની સમસ્યાઓ કોની પાસે રજૂ કરે તેવો પ્રશ્ન ઉભો થયો છે.
વર્ષો જૂનો રૂટ, માત્ર ૧ કિ.મી.નો ફેરો અને ટોલટેક્સની બચત!
આશ્ચર્યજનક બાબત એ છે કે, ભૂતકાળમાં મુન્દ્રાથી અંજાર અને મુન્દ્રાથી ભુજ જતી એસ.ટી. બસો રતાડીયા ગામ થઈને જ પસાર થતી હતી. જોકે, ગ્રામ્ય રસ્તાઓની ખરાબ હાલતને કારણે આ સેવા બંધ કરવામાં આવી હતી. હવે જ્યારે રસ્તાઓ સંપૂર્ણપણે સુધરી ગયા છે, ત્યારે ફરીથી આ સેવા શરૂ કરવામાં કોઈ જ મુશ્કેલી નથી. ગામના વાલીઓનું કહેવું છે કે, જો મુન્દ્રાથી અંજાર અને મુન્દ્રાથી ભુજ જતી બસો વાયા રતાડીયા થઈને ચલાવવામાં આવે, તો એસ.ટી. નિગમ માટે માત્ર એક કિલોમીટરનો જ વધારાનો ફેરો થાય છે. સામે પક્ષે, હાલમાં બસો જે હાઈવે પરથી પસાર થાય છે, ત્યાં ટોલટેક્સ ભરવો પડે છે, જેની બચત થશે. આનાથી નિગમને આર્થિક ફાયદો થશે અને મુસાફરોના બસ ભાડામાં પણ રાહત મળી શકશે. આમ, આ ફેરફાર વિદ્યાર્થીઓ, વૃદ્ધો, દર્દીઓ અને સામાન્ય મુસાફરો સૌના હિતમાં છે, તેમ છતાં અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓની ઉદાસીનતા સૌને આઘાત પહોંચાડી રહી છે.
સરપંચની ગેરહાજરી, લોકોની મુશ્કેલીમાં વધારો; માગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી રતાડીયા ગામમાં સરપંચનું પદ ખાલી છે, જેના કારણે ગામની સ્થાનિક રજૂઆતોને વાચા આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ટૂંક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે નવા ચૂંટાનારા સરપંચ મારફતે પણ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવું ગામના જાગૃત વાલીઓએ જણાવ્યું છે.
રતાડીયા ગામના વાલીઓએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને વાહનવ્યવહાર વિભાગને અપીલ કરી છે કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ગામલોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વહેલી તકે રતાડીયા ગામમાંથી એસ.ટી. બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે. જો આ મામલે સત્વરે કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની સાથે, ના છૂટકે આગામી સરપંચની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર પણ કરવામાં આવશે તેવી ચીમકી રતાડીયાના જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કર સહિત અન્ય વાલીઓએ ઉચ્ચારી છે.