KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુરમાં પોલીસનું કડક ચેકિંગ: કાલોલ DySPની અધ્યક્ષતામાં સઘન પેટ્રોલિંગ,નિયમભંગ કરતા 17 વાહનચાલકો ઝડપાયા.

 

તારીખ ૨૪/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી સમયમાં આવી રહેલા પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સ્થાનિક નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવો ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુરક્ષા અભિયાનના ભાગરૂપે કાલોલ વિભાગના Dysp નવિન આહિરની અધ્યક્ષતામાં વેજલપુર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે વેજલપુર ટાઉન વિસ્તારમાં સઘન ‘ફૂટ પેટ્રોલિંગ’ યોજવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતે જવાનો સાથે રસ્તા પર ઉતરી આવતા સમગ્ર ટાઉન વિસ્તારમાં કાયદાનો ચુસ્ત માહોલ જોવા મળ્યો હતો. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક પ્રજામાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર ઊભો કરવાનો છે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા અને શંકાસ્પદ રીતે ફરતા વાહનચાલકો સામે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી હતી. મોટર વાહન અધિનિયમ (Motor Vehicles Act) ની કલમ ૨૦૭ હેઠળ જરૂરી દસ્તાવેજો ન ધરાવતા અથવા નિયમોનો ભંગ કરનારા કુલ ૧૭ વાહનોને સ્થળ પર જ ડિટેઈન (જપ્ત) કરવામાં આવ્યા હતા.જેમાં મોટરસાયકલ (ટુ-વ્હીલર): ૧૫ ટ્રેક્ટર: ૦૧ ફોર-વ્હીલર ગાડી: ૦૧ પોલીસ પ્રશાસનની આ સરાહનીય અને કડક કામગીરીને પગલે કાયદાનો ભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, વેજલપુર ટાઉનના વેપારીઓ અને રહીશોએ પોલીસની આ સક્રિયતાને બિરદાવી છે અને શાંતિપૂર્ણ માહોલ માટે આભાર વ્યક્ત કર્યો છે.

Back to top button
error: Content is protected !!