ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વેગનઆર પલટી ખાતા તાંદલજાના એક જ પરિવારના 4 સભ્યોના મોત, 1નો આબાદ બચાવ.

તારીખ ૨૭/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરાથી વડોદરા સુધીના નવનિર્મિત ભારતમાલા પ્રોજેક્ટ હેઠળના દિલ્હી-મુંબઈ હાઈવે પર રવિવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેગનઆર કાર પલટી ખાઈ જતા વડોદરાના તાંદલજા વિસ્તારના એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.
કાલોલ પોલીસ મથકે મોહમ્મદ ઇમરાન અસગર ખીચી, રહે. તહુરા પાર્ક, તાંદલજા દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, પરિવારના પાંચ સભ્યો (1) સાજીદ અલ્લાઉદ્દીન ખીચી, (2) ઇલિયાસ ઈકબાલ ખીંચી, (3) ઈશાક ઈકબાલ ખીંચી, (4) રેહાન અસગર ખીચી અને (5) અબ્દુલરઉફ ખીંચી રાજસ્થાન ખાતે મરણ પ્રસંગે બેસણામાં હાજરી આપવા માટે ઈલિયાસ ઈકબાલ ખીંચીની વેગનઆર કાર નં.GJ 06 RC 7429 લઈને ગયા હતા જ્યાં રવિવારે મોડી રાત્રે પરત ફરતી વખતે કાલોલ તાલુકાના પીંગળી ગામ પાસે કાર ચાલક ઈશાકભાઈ ઈકબાલભાઈ ખીચીને ઝોકું આવી જતા પુરઝડપે ચાલી રહેલી કાર લોખંડની રેલીંગ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી જ્યાં અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર સાજીદ ખીચી, ઇલિયાસ ખીચી, ઈશાક ખીચી અને રેહાન ખીચીને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ચારેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સદનસીબે અબ્દુલ રઉફ ખીંચીનો આબાદ બચાવ થયો હતો.અબ્દુલ રઉફ ખીંચીએ તાત્કાલિક 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ અને કાલોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ચારેય મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ઘટનાની જાણ થતા જ વડોદરાના તાંદલજાથી પરિવારજનો અને સંબંધીઓ કાલોલ દોડી આવ્યા હતા. એક સાથે પરિવારના ચાર સભ્યોના મોતથી સમગ્ર તાંદલજા પંથક અને ખીચી પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. કાલોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








