KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં સાયબર ઠગનો ખેલ: 75 વર્ષીય નિવૃત્ત વૃદ્ધના ખાતામાંથી OTP વગર જ ઉપડી ગયા 86 હજાર.

 

તારીખ ૨૧/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઇન ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ૭૫ વર્ષીય નિવૃત્ત વૃદ્ધના બેંક ખાતામાંથી કોઇપણ પ્રકારનો ઓટીપી (OTP) આપ્યા વગર અજાણ્યા ઇસમે યુ.પી.આઇ.ડી. (UPI ID) વડે અલગ-અલગ તારીખોમાં કુલ રૂ. ૮૬,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી ઉપાડી લીધા છે. આ અંગે ભોગ બનનાર વૃદ્ધે કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે આઇ.ટી. એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.મળતી વિગતો મુજબ, કાલોલની પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ૭૫ વર્ષીય જફરુલ્લાખાન મુસ્તુફાખાન પઠાણનું બેંક ઓફ બરોડાની કાલોલ શાખામાં પેન્શન ખાતું આવેલું છે. ગત ૨૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેમની બેંક પાસબુક કાલોલ બજારમાં ખોવાઇ ગઇ હતી. જેના કારણે તેમણે મે મહિનામાં બેંકમાંથી નવી પાસબુક કઢાવી હતી. જ્યારે તેઓ બેંકમાં જઇ નવી પાસબુકમાં એન્ટ્રી કરાવી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા.બેંક એન્ટ્રી જોતા માલૂમ પડ્યું કે, ગત તા. ૦૧/૦૩/૨૦૨૬ થી તા. ૧૦/૦૪/૨૦૨૬ દરમિયાન અલગ-અલગ તારીખોમાં કોઇ અજાણ્યા ઇસમે ભોગ બનનારનો કોઇપણ ઓટીપી મેળવ્યા વિના, તેમના ખાતામાંથી કુલ રૂ. ૮૬,૦૦૦/- યુ.પી.આઇ.ડી. (UPI ID) દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા.આ ઓનલાઇન ફ્રોડ અંગે જાણ થતાં જ વૃદ્ધે તુરંત જ સાયબર ક્રાઇમ લેન્ડલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી ઓનલાઇન અરજી કરી હતી. ત્યારબાદ તેમણે કાલોલ પોલીસ મથકે રૂબરૂ આવીને અજાણ્યા ઇસમ વિરુદ્ધ આઇ.ટી. એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.કાલોલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધીને આ કેસની કાયદેસરની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડીભરવાડને સોંપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!