હાલોલની PM શ્રી શાળામાં શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૩.૬.૨૦૨૬
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રાજ્ય સરકારના અભિયાન અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.હાલોલની પી.એમ.શ્રી કન્યાશાળા અને કુમારશાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.હાલોલની પી.એમ.શ્રી કન્યાશાળા તથા કુમારશાળા ખાતે શિક્ષણના ધામમાં પગ મૂકતા ભૂલકાઓને ઉત્સાહભેર આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે હાલોલના પ્રાંત અધિકારી જે.ડી.પટેલ, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ શૈક્ષણિક મહોત્સવમાં શિક્ષણ વિભાગના બીઆરસી કો-ઓર્ડિનેટર ધર્મેન્દ્રભાઈ ખાંટ, બીટ કેળવણી નિરીક્ષક વિરેનભાઈ, રાકેશભાઈ વાળંદ તેમજ શાળાના આચાર્ય દિનેશકુમાર પરમાર અને લીલાબેન પટેલ સહિત શાળાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કન્યા કેળવણીને પ્રોત્સાહન પૂરું પાડવા માટે બાળાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ સાથે જ શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.જ્યારે નવા પ્રવેશેલા બાળકો ઉપરાંત, ગત વર્ષ દરમિયાન શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ મહેમાનોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓના કારણે શાળા પરિસરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.આમ, હાલોલની શાળાઓમાં કન્યા કેળવણીને વેગ આપવા અને ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે પ્રવેશોત્સવની ઉજવણી સંપન્ન થઈ હતી.












