પંચમહાલ જિલ્લામાં શહેરાના પાલિખંડા ખાતે પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

પંચમહાલ ગોધરા
નિલેશકુમાર દરજી શહેરા 
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુના અધ્યક્ષસ્થાને શહેરા તાલુકામાં પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. પ્રભારી સચિવશ્રીએ વિવિધ શાળાઓની મુલાકાત લઈ ભૂલકાંઓને કુમકુમ તિલક લગાવી, મોં મીઠું કરાવીને શાળામાં ઉષ્માભર્યો પ્રવેશ કરાવ્યો હતો.
પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુએ પોતાના પ્રવાસના પ્રથમ તબક્કે સવારે શહેરાની પાલિખંડા પ્રાથમિક શાળા ખાતેથી પ્રવેશોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. શાળાના આંગણે પ્રથમ પગલું મૂકનાર નાના બાળકોને આવકારી પ્રોત્સાહિત કર્યા હતા.અહીં તેમણે બાલવાટિકામાં ૩૫ જેટલા બાળકો અને ધોરણ ૧ માં પ્રવેશપાત્ર ૩૭ જેટલા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.તદુપરાંત અહીં ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવી પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં પ્રભારી સચિવશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને શૈક્ષણિક કીટનું વિતરણ કરી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.
મોડલ સ્કૂલમાં ધોરણ ૯ માં ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો.બપોરે સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધોરણ ૯ માં ૧૭૦ અને ધોરણ ૧૧ માં ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રભારી સચિવશ્રી શાળા કરાવ્યો હતો,
આ પ્રસંગે પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ એ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી પરંતુ શિક્ષણ રૂપી જ્યોતને ઘર-ઘર સુધી પહોંચાડવાનું એક પવિત્ર અભિયાન છે. કન્યા કેળવણી અને પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે સરકાર કટિબદ્ધ છે.વધુમાં તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમો દરમિયાન સ્થાનિક અગ્રણીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







