કાલોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગોટાળાનો આક્ષેપ: સરપંચોએ ફરીથી સર્વેની માંગ સાથે TDOને આવેદન આપ્યું.

તારીખ ૧૮/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન થયેલા સર્વેમાં અનેક વિસંગતતાઓ સામે આવી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કાલોલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોના ૩૫ જેટલા સરપંચો હાજર રહી ને આ મામલે એક લેખિત આવેદન પત્ર પાઠવીને યોજનાનું ફરીથી નવેસરથી સર્વે (રી-સર્વે) કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.સરપંચો દ્વારા કાલોલ ટીડીઓને આપવામાં આવેલા આવેદન પત્ર અનુસાર, વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારી નિયમો મુજબ સર્વેની કામગીરી તો કરવામાં આવી હતી, પરંતુ તેના કારણે દરેક ગામમાં જે ખરેખર ગરીબ, પછાત વર્ગના અને જરૂરિયાતમંદ સાચા લાભાર્થીઓ છે, તેઓ આ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે. જેમને ખરેખર પાકા મકાનની જરૂર છે, તેમના નામ યાદીમાં આવી શક્યા નથી.આવેદન પત્રમાં તમામ ગ્રામ પંચાયતના સરપંચોએ નમ્ર વિનંતી સાથે ભલામણ કરી છે કે, જે પણ પાત્રતા ધરાવતા ગરીબ પરિવારો બાકી રહી ગયા છે તેમને યોજનાનો લાભ મળી શકે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સમગ્ર કાલોલ તાલુકામાં નવેસરથી રી-સર્વે કરાવવામાં આવે. જો વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય અને સત્વરે નિર્ણય લેવામાં આવશે, તો જ ગ્રામ્ય વિસ્તારના સાચા અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરનું ઘર મળવાનું સપનું સાકાર થઈ શકશે.ગામડાઓના ગરીબ પરિવારોને ન્યાય અપાવવા માટે કાલોલ તાલુકાના સરપંચો સંગઠિત થયા છે અને તેમણે આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને પંચમહાલના સાંસદ સભ્ય રાજપાલસિંહ જાદવ,કાલોલ મત વિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,જિલ્લા વિકાસ અધિકારી (DDO), પંચમહાલ (ગોધરા) ને પણ આવતીકાલે આવેદન પત્ર આપનાર છે.







