HALOLPANCHMAHAL

હાલોલમાં ૧૮મી જૂને યોજાશે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ

હાલોલમાં ૧૮મી જૂને યોજાશે જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ,કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ માટે અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૧.૬.૨૦૨૬

ગુજરાત સરકાર દ્વારા મધ્ય ગુજરાત ઝોન માટે યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ’ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આગામી તારીખ ૧૮ જૂન ૨૦૨૬ના રોજ જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.હાલોલ સ્થિત પોલિકેબ ઇન્ડિયા લિમિટેડના કોન્ફરન્સ હોલ ખાતે પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમના સુચારૂ આયોજન અને સફળ અમલીકરણ માટે આજે પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં તમામ અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમની કામગીરીનું વિગતવાર આયોજન કરી જરૂરી સૂચનાઓ આપી હતી.કાર્યક્રમના સફળ સંચાલન માટે સ્ટેજ અને બેઠક વ્યવસ્થાપન સમિતિ, બ્રાન્ડિંગ અને મીડિયા પ્રસારણ સમિતિ તેમજ કાયદો, વ્યવસ્થા અને તબીબી સેવાઓ વગેરે સમિતિઓ બનાવવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે ૪૦ જેટલા એક્ઝિબિશન સ્ટોલ ઊભા કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર જે. જે. પટેલ, પ્રાંત અધિકારી સહિત વિવિધ સમિતિના અમલીકરણ અધિકારીઓ તથા વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!