KALOL(Panchamahal)PANCHMAHAL

અવારનવાર પાવર કટથી ખેડૂતો અને ગ્રામજનો હેરાન પરેશાન!!વેજલપુર ભાદરોલી સબ સ્ટેશન ખાતે ગામલોકોનું વિરોધ પ્રદર્શન.

 

તારીખ ૦૭/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મોકળ ગામના જાગૃત નાગરિકોએ વેજલપુર-ભાદરોલી GEB સબ સ્ટેશનની કામગીરી સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. છેલ્લા એક મહિનાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ વરસાદ, પવન કે વાવાઝોડા જેવી કોઈ અસામાન્ય પરિસ્થિતિ ન હોવા છતાં પણ અચાનક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે રોજિંદા જીવન, ખેતી, વેપાર-ધંધા તેમજ અન્ય જરૂરી કામકાજ પર ગંભીર અસર પડી રહી છે.આ સમસ્યાની અસર માત્ર મોકળ ગામ પૂરતી મર્યાદિત નથી. કાનોડ, નાની કાનોડ, બપોરની મુવાડી, ભીલીદ્રા, અંબાલા, ઝેરના મુવાડા, સણસોલી, હરખાપુરા અને પાની મુવાડી સહિતના ગામોના રહેવાસીઓએ પણ વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ કરી છે.ગ્રામજનોએ GEBના અધિકારીઓને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવી તમામ અસરગ્રસ્ત ગામોમાં નિયમિત અને અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.ગ્રામજનોનું કહેવું છે કે વીજ બિલ સમયસર ન ભરવામાં આવે તો GEB દ્વારા તાત્કાલિક વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. ત્યારે ગ્રાહકોને પણ ગુણવત્તાસભર અને નિયમિત વીજ સેવા મળવી જોઈએ. ફરિયાદ મા બતાવેલ કોઈ પણ ફોન ઉપર ફોન કરવામાં આવે તો અધિકારીઓ ફોન ઉપાડતા નથી.જો સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

Back to top button
error: Content is protected !!