બકરી ઈદને પગલે કાલોલ પોલીસ એલર્ટ: શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજી કાયદો વ્યવસ્થાની સમીક્ષા સાથે શાંતિ અને સુરક્ષા માટે સજ્જ.

તારીખ ૨૭/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
આગામી પવિત્ર બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)ના તહેવારને અનુલક્ષીને કાલોલ શહેરમાં કાયદો, સુવ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કાલોલ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોમી સૌહાર્દ જળવાય તેવા આશયથી પોલીસ તંત્ર દ્વારા કાલોલ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું આ ફૂટ પેટ્રોલિંગ કાલોલ વિભાગના ડીવાયએસપી નવીન આહિરની સીધી આગેવાની હેઠળ યોજાયું હતું. જેમાં કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આર ડી ભરવાડ, પીએસઆઇ પી કે ક્રીશ્ચિયન તેમજ સ્ટાફ મહિલા પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસ કાફલાએ શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય બજાર, ભીડભાડ વાળા વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર પગપાળા કૂચ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.”નાગરિકો કોઈપણ ભય વિના, ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ તંત્ર સજ્જ છે.”પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો અને સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા તેમજ તહેવારને ભાઈચારા સાથે ઉજવવા અપીલ કરી હતી.કાલોલ પોલીસના જણાવ્યા અનુસાર, બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ પોઈન્ટ્સ પર પોલીસ વોચ ગોઠવવામાં આવી છે. પોલીસના આ સઘન અને આયોજનબદ્ધ ફૂટ પેટ્રોલિંગના પગલે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં સુરક્ષાની એક અનોખી લાગણી જોવા મળી હતી અને લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.








