KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ એક્શન મોડમાં: નાયબ પોલીસ અધિક્ષક સાથે ફૂટ પેટ્રોલિંગ,ટ્રાફિક નિયમ તોડનારા 19 વાહનચાલકો સામે લાલ આંખ.

 

તારીખ ૨૫/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આગામી પવિત્ર મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને કાલોલ ટાઉન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તેમજ નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જળવાઈ રહે તે હેતુથી કાલોલ પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DySP) નવીન આહિરની સીધી અધ્યક્ષતામાં કાલોલ ટાઉનના વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ફૂટ પેટ્રોલિંગમાં કાલોલના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આર. ડી. ભરવાડ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) આર. એમ. મોહનિયા તથા સમગ્ર પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસ કાફલાએ આગામી મોહરમ પર્વના નિર્ધારિત રૂટ તેમજ કાલોલ ટાઉનના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ (ફૂટ પેટ્રોલિંગ) કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક પ્રજામાં શાંતિ, એકતા અને સલામતીનો મજબૂત સંદેશ પહોંચાડવાનો હતો.ફૂટ પેટ્રોલિંગની સાથે-સાથે માર્ગો પર કડક વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને:કાચ પર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનચાલકો નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનો તપાસ દરમિયાન મળી આવ્યા કાયદાનો ભંગ કરનારા કુલ ૧૯ વાહનોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા અને આ તમામ વાહનો વિરૂદ્ધ મોટર વ્હીકલ એક્ટ (MV Act) ની કલમ ૨૦૭ મુજબ કાયદેસરની અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસની આ આકસ્મિક અને કડક કાર્યવાહીથી નિયમભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સ્થાનિક રહિશોએ આગામી તહેવારો પૂર્વે પોલીસની આ સક્રિય કામગીરીને બિરદાવી છે.

Back to top button
error: Content is protected !!