કાલોલના કાતોલ નજીક બે બાઇક સામસામે ભટકાતા ગમખ્વાર અકસ્માત: વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત,એકની હાલત ગંભીર.

તારીખ ૧૭/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનની હદમાં બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા એક કરુણ અને ગમખ્વાર અકસ્માતમાં ૬૦ વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બંને બાઇક ચાલકો દ્વારા પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવવાને કારણે સર્જાયો હતો.
કાતોલ ગામના દેવપુરા ફળિયામાં રહેતા અને ઓટો ગેરેજનો ધંધો કરતા પ્રવિણભાઇ સોમાભાઇ પરમારે કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. પ્રવિણભાઇએ તેમના પિતા સોમાભાઇ મંગળભાઇ પરમાર (ઉ.વ. ૬૦, સેટ્કો કંપનીના નિવૃત્ત કર્મચારી) ને બાઇકમાં પેટ્રોલ પુરાવવા અને શાકભાજી લેવા માટે મોકલ્યા હતા ત્યારે સોમાભાઇ પોતાની હીરો એચ.એફ.ડીલક્ષ મોટરસાયકલ (નંબર: જી.જે-૧૭-બી.બી-૬૯૯૬) લઇને કાતોલ ગામથી કાલોલ તરફ જઇ રહ્યા હતા. તે જ સમયે કાતોલ ગામના જ વનરાજસિંહ કણકસિંહ પરમાર પોતાની હીરો પેશન પ્રો મોટરસાયકલ (નંબર: જી.જે.૨૩-બી.એઇ-૦૨૭૭) લઇને કાલોલથી કાતોલ તરફ પૂરઝડપે આવી રહ્યા હતા.ત્યારે કાતોલ ગામના ગેટથી ગામ તરફ જતા રોડ પર પચાસેક મીટર આગળ બંને મોટરસાયકલો સામસામે પ્રચંડ વેગે અથડાઇ પડી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે સોમાભાઇ પરમારને જમણી આંખની ઉપર, કપાળના ભાગે અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાઇકના ચાલક વનરાજસિંહ પરમારને પણ માથા તેમજ કપાળના ભાગે લોહીલુહાણ ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરાયો હતો. બંનેને કાલોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે સોમાભાઇને મૃત જાહેર કર્યા હતા અને વનરાજસિંહને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રીફર કર્યા હતા અને કાલોલ પોલીસે આ મામલે મૃતકના પુત્ર પ્રવિણભાઇની ફરિયાદના આધારે બંને બાઇક ચાલકો વિરુદ્ધ બી.એન.એસ. ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ પી કે ક્રિશ્ચનને સોંપી છે.








