GODHARAPANCHMAHAL

ગોધરાના પઢીયાર ગામે લોકશાહીનો ઉત્સવ: માતા સાથે પુત્રીઓએ પ્રથમ વખત મતદાન કરી પ્રેરણા પૂરી પાડી

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ગ્રામજનો પોતાના મનપસંદ ઉમેદવારને મત આપવા માટે વિવિધ મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા. આ ચૂંટણીમાં ગ્રામ્ય સ્તરે લોકશાહીનું સુંદર ચિત્ર ત્યારે ઉપસ્યું જ્યારે યુવા પુત્રીઓએ તેમની માતા સાથે મતદાન મથકે પહોંચીને પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 

પંચમહાલમાં આજે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મતદાન મથકો પર યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકોમાં મતદાન પ્રત્યે વિશેષ જાગૃતિ જોવા મળી હતી. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પઢીયાર ગામના ૨૦ વર્ષીય બામણિયા મિત્તલબેન વાલજીભાઈએ તેમની માતા ચંપાબેન સાથે અને ૧૯ વર્ષીય મકવાણા તન્વીબેન અશોકભાઈએ તેમની માતા ગંગાબેન સાથે મતદાન કેન્દ્ર પર પહોંચીને લોકશાહીના આ મહાપર્વમાં પ્રથમવાર સહભાગી થયા હતા. આ સાથે ૨૧ વર્ષીય યુવાન પટેલ રણજીતકુમાર રાજેન્દ્રસિંહએ પણ પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉત્તમ નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.

 

પ્રથમ વખત મતદાન કરવાનો ગર્વ અનુભવી રહેલા આ યુવાન-યુવતીઓએ અન્ય લોકોને પણ મતદાન માટે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવા મતદારોએ દ્રઢપણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરવો અત્યંત અનિવાર્ય છે. લોકશાહીમાં પ્રત્યેક મત કિંમતી હોય છે અને તે દેશ તેમજ સમાજનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ યુવા પેઢીએ જે નાગરિકો હજુ સુધી મતદાન કરવા નથી આવ્યા, તેમને પણ અચૂક મતદાન કરી રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવા પ્રેરક સંદેશ પાઠવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!