ગોધરાના પઢીયાર ગામે વધુ એક નાળામાં ભુવો પડતા પ્રથમ વરસાદમાં જ પંચાયતના ભ્રષ્ટાચારની પોલ ખુલી
જૂન મહિનાના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદનો સમાવેશ ન કરાતા અનેક સવાલો ઉઠ્યા

પંચમહાલ ગોધરા:-
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા વિકાસના કામોમાં ચાલી રહેલો ખુલ્લો ભ્રષ્ટાચાર પ્રથમ વરસાદમાં જ સપાટી પર આવ્યો છે. પઢીયાર ગામે વાંસડી નદી ઉપર ૧૫માં નાણાંપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં અંદાજિત રૂપિયા ૪ લાખ ૮૫ હજારના માતબર ખર્ચે બનાવવામાં આવેલા નાળામાં પહેલો વરસાદ પડતાની સાથે જ મસમોટો ભુવો પડી ગયો છે. પ્રજાના ટેક્સના પૈસાનો સીધો વેડફાટ કરી માત્ર આર્થિક લાભ મેળવવાના આશયથી જ આ અત્યંત હલકી ગુણવત્તાવાળું નાળું બનાવવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી છે.
કોઈપણ સરકારી કામોની દેખરેખ અને ગુણવત્તા ચકાસવાની કાયદાકીય જવાબદારી સ્થાનિક વિસ્તરણ અધિકારી અને તલાટી-કમ-મંત્રીની હોય છે. છતાં સ્થળ પર કોઈ પણ જાતની ગુણવત્તાની ચકાસણી કર્યા વગર આટલા લાખો રૂપિયાનું પેમેન્ટ કઈ રીતે પાસ કરી દેવામાં આવ્યું તે એક મોટો સવાલ છે. વધુમાં, સરપંચની પોતાની જ સપ્લાયર પેઢીને આ કામના બીલો અને પેમેન્ટ ચૂકવવામાં આવ્યા હોવાની બાબત સામે આવતા આ સમગ્ર કૌભાંડમાં મિલીભગત હોવાની શંકા ઉભી થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગામમાં ભ્રષ્ટાચારનો આ કોઈ પહેલો કિસ્સો નથી. હાલ જ્યાં ભુવો પડ્યો છે તેની બિલકુલ બાજુમાં જ સ્મશાન રોડ ઉપર ડિસેમ્બર ૨૦૨૫ માં ગ્રામ પંચાયત દ્વારા અન્ય એક નાળું બનાવવામાં આવ્યું હતું. તે નાળું પણ માત્ર ત્રણ મહિનામાં જ તૂટી ગયું હતું અને તેના સિમેન્ટના પોપડા ઉખડી ગયા હતા. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા અગાઉ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સ્થાનિક તંત્રએ કોઈ જ તપાસ હાથ ધરી ન હતી. જે બાદ નાળું વધારે તૂટતા આ બાબતે જૂન મહિનામાં યોજાનાર કલેકટરશ્રીના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ ફરિયાદનો સ્વાગતમાં સમાવેશ જ કરવામાં આવ્યો નથી અને ફરિયાદ કેમ કાઢી નાખવામાં આવી તેનું કોઈ લેખિત કારણ પણ અરજદારને આપવામાં આવ્યું નથી.
અધિકારીઓના આવા શંકાસ્પદ વલણને કારણે ભ્રષ્ટાચારીઓને ખુલ્લેઆમ છાવરવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે. સ્થાનિકોમાં રોષ છે કે પ્રજાના લાખો રૂપિયા પાણીમાં ગયા છે ત્યારે હવે ઉચ્ચ કક્ષાએથી આ બાબતે કોઈ કડક તપાસ કરી જવાબદારો પાસેથી નાણાંની રિકવરી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.







