KALOL(Panchamahal)PANCHMAHAL

હાલોલ કોર્ટે પોક્સો કેસમાં આરોપી નિર્દોષ છોડ્યો: પ્રેમ સંબંધ અને સંમતિથી રાખેલા સંબંધોના આધારે ચુકાદો.

 

તારીખ ૨૪/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાની હાલોલ એડિશનલ સેસન્સ અને સ્પેશ્યલ પોક્સો અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ૨૨ વર્ષીય આરોપી અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણને નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે. અદાલતે નોંધ્યું હતું કે આ મામલો પરસ્પર પ્રેમ સંબંધ અને સંમતિનો છે, તેમજ પ્રોસિક્યુશન ભોગ બનનાર સગીર હોવાનો કોઈ નક્કર પુરાવો રજૂ કરી શક્યું નથી.ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ભોગ બનનાર યુવતી તેના મામાના ઘરે રોકાઈ હતી. રાત્રિના સમયે પેટમાં દુખાવો થવાનું કહીને તે સૂઈ ગઈ હતી અને બાદમાં ઘરના પાછળના દરવાજેથી ગુમ થઈ ગઈ હતી. આ અંગે તેના મામાએ ૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ ચૌહાણ (રહે. વેડપુર, વાઘોડિયા, વડોદરા) સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આરોપી તરફે એડવોકેટ એન આર કીચુંબરે તેમજ એડવોકેટ પી એમ શેખ હાજર રહ્યા હતા. ઊલટ તપાસ એડવોકેટ કે ડી મલેક દ્વારા કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન ભોગ બનનાર યુવતી (સ્ટાર વિટનેસ) ની જુબાનીએ કેસનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખ્યું, યુવતીએ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે તે પોતાની મરજીથી ઘરના પાછળના દરવાજેથી નીકળી ગઈ હતી.આરોપી સાથે તેનો લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો અને તેઓ ચોટીલા, દ્વારકા અને ગારીયાધાર સાથે ફર્યા હતા. ત્યાં તેમની વચ્ચે બંધાયેલા શારીરિક સંબંધો પણ પરસ્પર સંમતિથી બંધાયા હતા.અગાઉના કેસમાં પણ નિર્દોષ: અગાઉ પણ તેમના પ્રેમ સંબંધના કારણે વાઘોડિયા પોલીસ મથકે બે ફરિયાદો થઈ હતી, જેમાં સાવલી કોર્ટમાં યુવતી હોસ્ટાઈલ (ફરી ગયેલી) જાહેર થઈ હતી અને આરોપી નિર્દોષ છૂટ્યો હતો.

કેસમાં સૌથી મહત્વનો વળાંક યુવતીની ઉંમરનો હતો. મેડિકલ અને સરકારી દસ્તાવેજો મુજબ યુવતી પુખ્ત વયની થવામાં માત્ર ૬ મહિના જ બાકી હતી. કોર્ટે અવલોકન કર્યું કે: જન્મ નોંધણીના રજિસ્ટરમાં દાદાએ આપેલી માહિતીના આધારે ઉંમર લખાઈ હતી, પરંતુ તેનો કોઈ નક્કર હોસ્પિટલ આધારિત પુરાવો રજૂ કરાયો નહોતો. યુવતીની માતા પણ દીકરીની સાચી જન્મતારીખ જણાવી શકી નહોતી.સ્પેશ્યલ જજ શ્રી વી એન મપારાએ ચુકાદો આપતાં જણાવ્યું કે, જ્યારે ભોગ બનનાર સગીર હોવાનું નિર્વિવાદપણે સાબિત થતું નથી અને સમગ્ર સંબંધો પરસ્પર સંમતિ તેમજ પ્રેમ સંબંધના આધારે બંધાયા હોવાનું ખુદ યુવતી સ્વીકારે છે, ત્યારે આરોપી સામે ગુનો બનતો નથી.અદાલતે સમગ્ર મામલે પુરાવા ને ધ્યાને લઈને આરોપી અલ્પેશભાઈ રમણભાઈ ચૌહાણને BNS કલમ ૧૩૭(૨), ૬૪(૨)(i), ૬૪(૨)(m), ૭૧, ૮૭ અને પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૨ હેઠળના તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત (Acquitted) કરવાનો હુકમ કર્યો છે.

Back to top button
error: Content is protected !!