KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ખંડોળી ગામે પાર્ટીના પૈસાના વિવાદમાં યુવક પર હુમલો,જાનથી મારી નાખવાની ધમકી.

 

તારીખ ૩૧/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ખંડોળી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા એક મજૂર વર્ગના આધેડ પાસે ગામના જ એક યુવકે પાર્ટી કરવા માટે પૈસા માંગ્યા હતા. પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે આધેડને ગાળો આપી, લાતો વડે ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.મળતી માહિતી મુજબ, કાલોલ તાલુકાના સમા ગામે બહાર ફળિયામાં રહેતા ૪૨ વર્ષીય અનિલભાઇ સાલમભાઇ સોલંકી (ધંધો-મજુરી) ગત તારીખ ૨૯/૦૫/૨૦૨૬ ના રોજ સવારે નવેક વાગ્યે રીક્ષામાં બેસીને ખંડોળી ગામે મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને સાડા દશેક વાગ્યાના અરસામાં તેઓ રીક્ષામાં પરત ઘરે આવી રહ્યા હતા.આ દરમિયાન ખંડોળી ગામે કેનાલથી થોડે આગળ ભારતમાલા રોડ પાસે આવેલ વળાંક નજીક તેમના જ ગામનો વિજયકુમાર જશવંતભાઇ સોલંકી નામનો યુવક મોટરસાયકલ લઈને આવ્યો હતો. તેણે અનિલભાઈને રીક્ષામાંથી ઉતારી પોતાની મોટરસાયકલ પર સાથે જવાનું કહી રીક્ષામાંથી નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ વિજયકુમારે તેમની પાસે ‘પાર્ટી કરવા માટે’ પૈસાની માંગણી કરી હતી.અનિલભાઈએ પૈસા આપવાનો સાફ ઇનકાર કરી દેતા વિજયકુમાર એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. વાત આટલેથી ન અટકતા આરોપી વિજયકુમારે અનિલભાઈને લાતો વડે માર મારી રોડ પર નીચે પાડી દીધા હતા, જેના કારણે તેમને ડાબા હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અનિલભાઈએ બૂમાબૂમ કરતા આરોપી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોટરસાયકલ પર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ઘટના બાદ ઈજાગ્રસ્ત અનિલભાઈએ તેમના મિત્ર જનકભાઈ સોલંકીને ફોન કરીને બોલાવ્યા હતા. જનકભાઈ તેમને મોટરસાયકલ પર કાલોલની સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.સારવારમાં વ્યસ્ત હોવાને કારણે ફરિયાદી સમયસર પોલીસ સ્ટેશને પહોંચી શક્યા ન હતા. ત્યારબાદ તેઓએ કાલોલ પોલીસ સ્ટેશન પહોંચીને આરોપી વિજયકુમાર જશવંતભાઇ સોલંકી વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

Back to top button
error: Content is protected !!