કાલોલ-10 આંગણવાડીમાં પ્રવેશોત્સવની ઉજવણી:પાલિકા ઉપપ્રમુખ અને કાઉન્સિલરે 30 બાળકોને સ્કૂલબેગ ભેટ આપી.

તારીખ ૨૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાના સ્લમવિસ્તાર એવા વોર્ડ નં. 3 માં આવેલ આંગણવાડી કેન્દ્ર-10, તળાવની પાળ ઉપર તારીખ 25/06/2026 ના રોજ “આંગણવાડી પ્રગતિ ઉત્સવ” અંતર્ગત ભૂલકાંઓનો પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો જ્યાં આ કાર્યક્રમમાં કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી તથા વોર્ડ નંબર 3 ના કાઉન્સિલર પ્રતિકભાઈ ઉપાધ્યાય ઉર્ફે મીન્ટુભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બંને મહાનુભાવોના હસ્તે આંગણવાડીમાં નવા પ્રવેશ મેળવતા નાના ભૂલકાંઓને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે આંગણવાડી કાર્યકર હેતલબેન કિરણભાઈ કોન્ટ્રાક્ટર, મંજુલાબેન ગણપતભાઇ, પૂજાબેન રાવલ સહિત આંગણવાડીના લાભાર્થી બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની વિશેષ વાત એ રહી કે નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી અને સભ્ય પ્રતિકભાઈ ઉપાધ્યાય દ્વારા આંગણવાડીના 30 લાભાર્થી બાળકોને પ્રોત્સાહન રૂપે સ્કૂલબેગ ભેટ આપવામાં આવી હતી. સ્કૂલબેગ મળતા બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી જેમાં ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજીએ જણાવ્યું કે, “બાળકો દેશનું ભવિષ્ય છે. તેમને શિક્ષણ તરફ વાળવા અને આંગણવાડીમાં નિયમિત આવવા પ્રોત્સાહિત કરવા આ પ્રકારના કાર્યક્રમો જરૂરી છે.” કાઉન્સિલર મીન્ટુભાઈએ પણ વાલીઓને બાળકોને નિયમિત આંગણવાડીએ મોકલવા અપીલ કરી હતી.







