કાલોલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખા હવે નવા સરનામે, ટાઉન હોલથી કલાલ ઝાંપા લાડ વાડીના નવા મકાનમાં સ્થળાંતર.

૨૯/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં ગ્રાહકોને વધુ આધુનિક અને સુવિધાજનક બેંકિંગ સેવાઓ મળી રહે તે હેતુથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાનું નવા લોકેશન પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. કાલોલ ખાતે અત્યાર સુધી ટાઉન હોલ પાસે કાર્યરત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખા હવે કલાલ ઝાંપા બજારમાં આવેલી લાડ વાડીના નવા મકાનમાં શિફ્ટ થઈ છે. નવી શાખાના શુભારંભ પ્રસંગે આજે શુક્રવારે સવારે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અને કથાનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.નવીન બેંક પરિસરમાં આયોજિત આ ધાર્મિક પ્રસંગે કાલોલ નગરના અગ્રણીઓ, મોટી સંખ્યામાં બેંકના ગ્રાહકો અને થાપણદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બેંક પરિવારને આ નવી શરૂઆત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે બેંકના શાખા મેનેજર તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો દ્વારા ઉપસ્થિત તમામ ગ્રાહકો અને આમંત્રિતોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાખા મેનેજરે જણાવ્યું હતું કે, નવા સુવિધાજનક મકાનમાં સ્થળાંતર થવાથી ગ્રાહકોને બેંકિંગ કામકાજમાં વધુ ઉત્તમ અને ઝડપી સુવિધાઓ મળી રહેશે. આ સાથે જ તેમણે વર્ષોથી બેંક સાથે જોડાયેલા તમામ થાપણદારો અને ગ્રાહકોનો અત્યાર સુધી આપેલા સાથ-સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ ઉત્કૃષ્ટ સેવાઓ આપવાની કટિબદ્ધતા દોહરાવી હતી. નવી શાખાના પ્રારંભને પગલે બેંકના ગ્રાહકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.








