HALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ ખાતે પૂનમ અને રવિવારના સંયોગને લઈને મહાકાળી મંદિર પર યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૫.૨૦૨૬

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે રવિવારે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.જેઠ મહિનાની પૂનમ અને રવિવારની રજાનો સંયોગ બનતાં મહાકાળી માતાના દર્શન માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા.વહેલી સવારથી જ “જય માતાજી”ના નાદ સાથે ભક્તો પગપાળા તેમજ વાહનો દ્વારા ડુંગર ચઢીને મંદિર સુધી પહોંચતા જોવા મળ્યા હતા. સતત વધતી ભીડને કારણે મંદિર પરિસર, રોપવે વિસ્તાર તેમજ મુખ્ય યાત્રામાર્ગ પર ભારે અવરજવર જોવા મળી હતી.હાલ ચાલી રહેલી કાળઝાળ ગરમી છતાં શ્રદ્ધાળુઓની ભક્તિમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. દર પૂનમે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે, પરંતુ આજે પૂનમ અને રવિવાર એક સાથે આવતા યાત્રાળુઓનો ઘસારો નોંધપાત્ર રીતે વધુ રહ્યો હતો.ભીડના સંચાલન માટે પોલીસ તંત્ર દ્વારા કડક અને સુવ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોયાત્રાળુઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે પોલીસ જવાનો તેમજ સ્વયંસેવકો સતત કામગીરીમાં તૈનાત રહ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ માર્ગો અને કતાર વ્યવસ્થાનો પણ અમલ કરવામાં આવ્યો હતો.સ્થાનિક તંત્રના અંદાજ મુજબ, આજે દિવસ દરમિયાન અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના દર્શન કરી ને ધન્યતા અનુભવી હતી અને પાવાગઢમાં ભક્તિ, શ્રદ્ધા અને વ્યવસ્થાનો અનોખો સમન્વય આજે જોવા મળ્યો હતો, જ્યાં ભારે ગરમી વચ્ચે પણ ભક્તિભાવનો પ્રવાહ અવિરત રહ્યો હતો.જ્યારે ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કરાયું હતું.

Back to top button
error: Content is protected !!